<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખીનો વિનાશક વિસ્ફોટ: દેશવ્યાપી ઓરેન્જ એલર્ટ જાહેર, ખતરનાક લાવા અને રાખ વહેતા હજારો લોકોનું સ્થળાંતર શરૂ!

રાજધાની નજીકના ગામો ખાલી કરાવાયા અને મુખ્ય નેશનલ હાઈવે બંધ: રિંગ ઓફ ફાયર પર આવેલા દેશમાં કટોકટી જેવી સ્થિતિ!

ગ્વાટેમાલા સિટી : મધ્ય અમેરિકાના સૌથી સક્રિય અને ખતરનાક ગણાતા ફ્યુગો (Fuego) જ્વાળામુખીમાં સોમવારે સાંજે અચાનક મોટો વિસ્ફોટ થતાં ગ્વાટેમાલા સરકારે સમગ્ર દેશમાં બીજા સૌથી ઉચ્ચ સ્તરનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. વિસ્ફોટના કારણે જ્વાળામુખીમાંથી અત્યંત ગરમ પાયરોક્લાસ્ટિક પ્રવાહ, ઝેરી ગેસ અને લાવા બહાર ફેંકાઈ રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપન એજન્સી (CONRED) એ આસપાસના ગામડાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધી છે.

હાઈવે બંધ અને શાળાઓમાં શિક્ષણ કાર્ય સ્થગિત

જ્વાળામુખીની પ્રવૃત્તિ વધતાં સરકારે રાજધાની ગ્વાટેમાલા સિટીથી આશરે ૩૫ કિલોમીટર દૂર આવેલા ગામોમાં તાત્કાલિક સ્થળાંતરના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, લાસ લાજાસ કોતરમાંથી સળગતો પદાર્થ અને રાખ નીચે આવી રહ્યા હોવાથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એન્ટિગુઆને જોડતા મુખ્ય નેશનલ હાઈવે RN-14 ને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ તુરંત અસરથી સ્થગિત કરી દેવાઈ છે.

નાગરિકો માટે ઈમરજન્સી માર્ગદર્શિકા જાહેર

આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક રહેવાસીઓને જોખમી વિસ્તારો અને કોતરોથી દૂર રહેવા કડક સૂચના આપી છે. તંત્ર દ્વારા પરિવારોને આગામી ૭૨ કલાક માટે જરૂરી ઈમરજન્સી સામગ્રી સાથે '૭૨-કલાકનો બેકપેક' તૈયાર રાખવા, કૌટુંબિક સુરક્ષા પ્લાન સક્રિય કરવા અને જરૂર પડે તો જાતે જ સુરક્ષિત સ્થળે ખસી જવા (Self-evacuation) અપીલ કરવામાં આવી છે.

વિનાશક ઇતિહાસ: ૨૦૧૮ ના વિસ્ફોટમાં ૨૧૫ લોકોના મોત થયા હતા

૩,૭૬૩ મીટર ઊંચો ફ્યુગો જ્વાળામુખી પ્રશાંત મહાસાગરના અત્યંત સંવેદનશીલ 'રિંગ ઓફ ફાયર' ક્ષેત્રમાં આવેલો છે. અહીં વારંવાર જ્વાળામુખી અને ભૂકંપની ઘટનાઓ બને છે. આ પહેલા ૨૦૨૩ માં પણ વિસ્ફોટ થતાં ૧,૨૦૦ લોકોને ખસેડાયા હતા, જ્યારે ૨૦૧૮ માં થયેલા ભયાનક વિસ્ફોટમાં આખો એક વિસ્તાર લાવાના પ્રવાહમાં હોમાઈ ગયો હતો, જેમાં ૨૧૫ થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ગુમ થઈ ગયા હતા.

(7:34 PM IST)