News of Tuesday, 4th August 2026
સ્પેસએક્સનું રોકેટ ૮,૭૦૦ કિમી/કલાકની સુપરસોનિક ઝડપે ચંદ્ર સાથે અથડાશે: આકાશી દુર્ઘટના વૈજ્ઞાનિકો માટે બનશે ગોલ્ડન તક!
એક વર્ષથી અંતરિક્ષમાં ભટકી રહેલો ફાલ્કન-૯ રોકેટનો ભાગ આઈન્સ્ટાઈન ક્રેટર નજીક ક્રેશ થશે: વૈજ્ઞાનિકો ચંદ્રની ધૂળ અને ખાડા બનવાની પ્રક્રિયાનો કરશે અભ્યાસ!

વોશિંગ્ટન : એક વર્ષથી વધુ સમયથી અંતરિક્ષની અગાધ ઊંડાણોમાં ભટકી રહેલા સ્પેસએક્સ (SpaceX) ના ફાલ્કન-૯ (Falcon-9) રોકેટનો એક મોટો ટુકડો બુધવારે ચંદ્રની સપાટી સાથે ભયાનક ઝડપે અથડાવા જઈ રહ્યો છે. આ કોઈ આયોજિત કે નિયંત્રિત ક્રેશ નથી પરંતુ એક અકસ્માત છે. આમ છતાં, વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો આ ઘટનાથી ચિંતિત થવાને બદલે રોમાંચિત છે, કારણ કે તેઓ આ કુદરતી ટક્કરનો ઉપયોગ ચંદ્ર વિશે નવા સંશોધનો કરવા માટે એક ઉત્તમ તક તરીકે જોઈ રહ્યા છે.
અવાજ કરતા સાત ગણી ઝડપે થશે મિશન ફાલ્કન-૯ ની આખરી ટક્કર
આ ફાલ્કન-૯ રોકેટ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ફાયરફ્લાય એરોસ્પેસના "બ્લુ ઘોસ્ટ" અને જાપાનના "હાકુટો-આર" લેન્ડરને ચંદ્ર તરફ રવાના કરવા લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વી પર પાછા ફરવા કે સૂર્યની ભ્રમણકક્ષામાં જવા માટે પૂરતું બળતણ ન હોવાથી તેનો ઉપલો ભાગ ગુરુત્વાકર્ષણને કારણે ભ્રમણકક્ષામાં અટવાઈ ગયો હતો. હવે આ ભાગ ૮,૭૦૦ કિમી/કલાકની પ્રચંડ ગતિએ (જે પૃથ્વી પર અવાજની ઝડપ કરતાં ૭ ગણી વધુ છે) ચંદ્રના 'આઈન્સ્ટાઈન ક્રેટર' નામના વિસ્તાર નજીક ધડાકાભેર અથડાશે.
અથડામણથી ૯૦ ફૂટ પહોળો ખાડો બનવાનો અંદાજ
વૈજ્ઞાનિકોના મતે આ પ્રચંડ અથડામણથી ચંદ્રની સપાટી પર આશરે ૯૦ ફૂટ પહોળો અને ૧૬ ફૂટ ઊંડો નવો ખાડો (Crater) બનશે. સૌથી સારી વાત એ છે કે આ ટક્કર જે જગ્યાએ થવાની છે ત્યાં સૂર્યપ્રકાશ પૂરેપૂરો રહેશે, જેથી ટેલિસ્કોપ અને ઓર્બિટર દ્વારા આ આખી ઘટના પર નજર રાખવી અત્યંત સરળ બનશે. રોકેટનું વજન, કદ અને ઝડપ પહેલેથી જાણીતા હોવાથી, ટક્કરથી ચંદ્રની ધૂળ કેટલી ઊંચે ઊડે છે અને જમીનમાં કેવા ફેરફારો થાય છે તેનો વિગતવાર અભ્યાસ કરી શકાશે.
ભૂતકાળમાં પણ ચંદ્ર સાથે અથડાયા છે માનવસર્જિત રોકેટ
અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં આ ઘટના નવી નથી. આ અગાઉ નાસાના એપોલો મિશન દરમિયાન ચંદ્રકંપ (Moonquakes) નો અભ્યાસ કરવા અને ૨૦૦૯ માં પાણીના બરફની શોધ કરવા માટે રોકેટના ભાગોને સપાટી પર ક્રેશ કરવામાં આવ્યા હતા. આ સિવાય ૨૦૦૮ માં ભારતના ચંદ્રયાન-૧ ઓર્બિટરે પણ ધૂળ અને કાટમાળના અભ્યાસ માટે એક ક્યુબ છોડ્યું હતું. જોકે, વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે જો ભવિષ્યમાં પણ અવકાશી કચરો આ રીતે ચંદ્ર પર તૂટી પડતો રહેશે, તો તે આગામી મૂન મિશન માટે જોખમ ઊભું કરી શકે છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
