બ્રાઝિલના જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતીય મોડેલનો ડંકો: રાષ્ટ્રપતિ લુલાએ ડૉ. દેવી શેટ્ટી સાથે કરી ખાસ મુલાકાત, 'નારાયણા હેલ્થ' ની ટેકનોલોજી અપનાવશે!
ગરીબોને સસ્તા દરે ગુણવત્તાયુક્ત સારવાર આપવા બ્રાઝિલના રિયો ડે જે નેરોમાં યોજના તૈયાર: BRICS બેંક, બ્રાઝિલ સરકાર અને નારાયણા હેલ્થ વચ્ચે ત્રિપક્ષીય કરારની શક્યતા!

બ્રાઝિલિયા : ભારતના સુપ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન ડૉ. દેવી શેટ્ટીના વિશ્વવિખ્યાત 'નારાયણા હેલ્થ' (Narayana Health) મોડેલનો ડંકો હવે દક્ષિણ અમેરિકામાં વાગી રહ્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ડૉ. દેવી શેટ્ટી સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને બ્રાઝિલની જાહેર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા ભારતીય મોડેલ અપનાવવાની ગંભીરતાથી ચર્ચા કરી છે. બ્રાઝિલ પોતાની યુનિફાઇડ હેલ્થ સિસ્ટમ (SUS) ને વધુ કાર્યક્ષમ અને ઓછી ખર્ચાળ બનાવવા માટે ભારતના ઓછી કિંમતના અને અત્યાધુનિક ડિજિટલ હોસ્પિટલ મેનેજમેન્ટનો સહારો લેવા જઈ રહ્યું છે.
ઓછી કિંમતે જટિલ સર્જરી અને સ્માર્ટ હોસ્પિટલ મેનેજમેન્ટ
ભારતનું નારાયણા હેલ્થ નેટવર્ક ઓછાં ખર્ચે જટિલ હૃદય રોગની સર્જરી અને વિશેષ તબીબી સંભાળ પૂરી પાડવા માટે વિશ્વભરમાં જાણીતું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સાથેની આ મુલાકાતમાં આરોગ્ય પ્રધાન એલેક્ઝાન્ડ્રે પદિલ્હા અને નાણાકીય આયોજન પ્રધાન મિરિયમ બેલ્ચિયોર પણ હાજર રહ્યા હતા. ડૉ. શેટ્ટી હોસ્પિટલ ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર પરની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા બ્રાઝિલ આવ્યા હતા, જે દરમિયાન દેશના જાહેર આરોગ્ય માળખાને ડિજિટલાઇઝ કરવા આ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
BRICS બેંક અને ભારત-બ્રાઝિલ વચ્ચે ત્રિપક્ષીય ભાગીદારીનો પ્રસ્તાવ
રાષ્ટ્રપતિ લુલાએ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB - BRICS બેંક), બ્રાઝિલ સરકાર અને નારાયણા હેલ્થ વચ્ચે ત્રિપક્ષીય ભાગીદારી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ભાગીદારી હેઠળ બ્રાઝિલની સરકારી હોસ્પિટલોમાં વેઇટિંગ-લિસ્ટ ઘટાડવા, બેડ એડમિનિસ્ટ્રેશન, દર્દીઓનું ડિજિટલ મોનિટરિંગ અને હાઇ-કોમ્પ્લેક્સિટી સર્જરી પહોંચાડવાની પદ્ધતિઓને નારાયણા હેલ્થની કુશળતા સાથે જોડીને પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવશે.
ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે મજબૂત બનશે સહયોગ
રાષ્ટ્રપતિ લુલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર 'ગ્લોબલ સાઉથ' (વિકાસશીલ દેશો) માટે પરસ્પર સહયોગનું એક મોટું માધ્યમ છે. ભારત અને બ્રાઝિલ પહેલેથી જ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સાથે મળીને કામ કરી રહ્યા છે. હવે ડિજિટલ હેલ્થકેર સોલ્યુશન્સ અને હોસ્પિટલ મેનેજમેન્ટના આદાન-પ્રદાનથી બંને દેશોના સાર્વજનિક આરોગ્ય માળખાને નવી ઊંચાઈ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
