UPI પેમેન્ટ્સ પર MDR ચાર્જ લાદવા સરકારે લોકસભામાં રજૂ કર્યું નવું સુધારેલું બિલ: રૂ. ૨,૦૦૦ થી વધુના ટ્રાન્ઝેક્શન પર વેપારીઓએ ચૂકવવી પડી શકે છે નજીવી ફી!
સામાન્ય ગ્રાહકો પર નહીં પડે કોઈ જ આર્થિક બોજ: ₹૫૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે BHIM UPI અને RuPay કાર્ડ દ્વારા ચૂકવણી સ્વીકારવાના નિયમોમાં પણ મોટા ફેરફારો!

નવી દિલ્હી : દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વચ્ચે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને RuPay કાર્ડ દ્વારા થતી ચૂકવણીઓને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભવિષ્યમાં UPI મારફતે ચુકવણીઓ સ્વીકારતા વેપારીઓએ ચોક્કસ મર્યાદા બાદ બેંકોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એટલે કે નજીવી પ્રોસેસિંગ ફી ચૂકવવી પડી શકે છે. આ માટે નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં કર નિયમો અને 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ ૨૦૦૭' માં સુધારો કરવા માટેનું નવું સુધારેલું બિલ રજૂ કરવામાં આવ્યું છે.
ગ્રાહકો પર નહીં પડે કોઈ વધારાનો બોજ: રૂ. ૨,૦૦૦ થી વધુના વ્યવહારો પર જ લાગુ થશે ફી
આ પ્રસ્તાવિત બિલ અંગે સ્પષ્ટતા કરતા નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે આ નિર્ણયથી સરેરાશ ગ્રાહકોના ખિસ્સા પર કોઈ અસર પડશે નહીં. જો કોઈ ગ્રાહક ₹૩,૦૦૦ નો સામાન ખરીદે છે, તો તેણે માત્ર ₹૩,૦૦૦ જ ચૂકવવાના રહેશે. MDR ચાર્જ માત્ર વેપારીઓ (Merchants) પર જ લાદવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ટૂંક સમયમાં આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરશે. પ્રાથમિક માહિતી મુજબ, ₹૨,૦૦૦ થી વધુની UPI ચુકવણીઓ પર જ ૦.૨% થી ૦.૩% સુધીનો અત્યંત સામાન્ય ચાર્જ લાગુ થઈ શકે છે.
પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટમાં ફેરફારનો માર્ગ મોકળો
હાલના કાયદા અનુસાર, કોઈપણ બેંક અથવા ફિનટેક સેવા પ્રદાતા સંસ્થા UPI કે RuPay ચુકવણીઓ માટે વેપારીઓ પાસેથી કોઈ ફી વસૂલ કરી શકતી નથી. પરંતુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટની જેમ જ UPI સિસ્ટમને આત્મનિર્ભર અને મજબૂત બનાવવા માટે આ કાયદાકીય સુધારો જરૂરી બન્યો હતો. સંસદમાં આ બિલ પસાર થયા બાદ બેંકો અને ફિનટેક કંપનીઓને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવી રાખવા માટે નિશ્ચિત આવક મળી રહેશે.
મોટા વ્યવસાયો અને ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે નવા નિયમો
પ્રસ્તાવિત કર કાયદાના સુધારામાં એવા ફેરફારો પણ સામેલ કરવામાં આવ્યા છે, જેના હેઠળ ₹૫૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા મોટા વ્યવસાયો માટે BHIM UPI QR કોડ અને RuPay કાર્ડ દ્વારા ચૂકવણી સ્વીકારવાના નિયમો નક્કી થશે. આ ચુકવણીઓની મહત્તમ મર્યાદા અને વિશિષ્ટ શરતો NPCI દ્વારા નિર્ધારિત કરવામાં આવશે, જેનાથી દેશના ડિજિટલ પેમેન્ટ આર્કિટેક્ચરને નવી દિશા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
