"વીમો નહીં તો બળતણ નહીં!": દેશમાં ૫૬% વાહનો વીમા વિનાના હોવાથી સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક પ્રસ્તાવ, પેટ્રોલ પંપ અને ANPR કેમેરાથી થશે ઈ-ચલણ!
નવી કાર માટે ૪ વર્ષ અને ટુ-વ્હીલર માટે ૬ વર્ષનો થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત કરવા આદેશ: વીમા વિના વાહન ચલાવવા પર રૂ. ૧૦,૦૦૦ સુધીનો થશે આકરો દંડ!

નવી દિલ્હી : ભારતીય રસ્તાઓ પર દોડતાં કરોડો વીમા વિનાના વાહનો અને તેના કારણે માર્ગ અકસ્માતના પીડિતોને વળતર મળવામાં થતા વિલંબ અંગે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સર્વોચ્ચ અદાલતે એક ક્રાંતિકારી પાયલોટ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકતા જણાવ્યું છે કે દેશમાં વાહનના માન્ય વીમા (Insurance) ને બળતણ (Fuel) પુરવઠા સાથે જોડવામાં આવે, જેથી વીમો ન ધરાવતા વાહનોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ જ ન મળે. આ ઉપરાંત કોર્ટે નવી કાર માટે ફરજિયાત થર્ડ-પાર્ટી વીમાની મર્યાદા વધારીને ૪ વર્ષ અને ટુ-વ્હીલર માટે ૬ વર્ષ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.
દેશમાં ૫૬ ટકા વાહનો વીમા વગરના: સુપ્રીમ કોર્ટે વ્યક્ત કર્યો આઘાત
નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીની અપીલ પર સુનાવણી કરતી વખતે કોર્ટે સંસદીય સમિતિના અહેવાલનો ટાંક આપતાં જણાવ્યું હતું કે દેશમાં નોંધાયેલા ૩૦.૪૮ કરોડ વાહનોમાંથી આશરે ૧૬.૫૪ કરોડ (૫૬ ટકા) વાહનો પાસે માન્ય વીમો જ નથી! માર્ગ અકસ્માત સર્જાય ત્યારે વીમા વગરના વાહનોના પીડિતોને વર્ષો સુધી વળતર માટે ભટકવું પડે છે, જે બંધારણની કલમ ૨૧ હેઠળ મળેલા જીવનના અધિકારનું હનન છે. આ સ્થિતિ બદલવા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય (MoRTH) અને IRDAI ને પેટ્રોલિયમ મંત્રાલય સાથે મળીને ફ્યુઅલ-ઈન્સ્યોરન્સ લિંકિંગ સિસ્ટમ લાગુ કરવા નિર્દેશ અપાયો છે.
ANPR કેમેરા અને હાઈવે ડેટાબેઝથી થશે ઓટોમેટિક ઈ-ચલણ
હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરાને હવે ઈન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો સાથે સીધા સાંકળવામાં આવશે. જેનાથી રસ્તા પરથી પસાર થતાં જ વીમા વગરના વાહનો સીધા કેમેરામાં ઝડપાઈ જશે અને ઓટોમેટિક ઈ-ચલણ જનરેટ થઈ જશે. મોટર વાહન કાયદા મુજબ વીમા વગર વાહન ચલાવવા પર પ્રથમ ગુના માટે વાર્ષિક પ્રીમિયમના ૩ ગણા અથવા રૂ. ૫,૦૦૦ અને ત્યારબાદના ગુના માટે પ્રીમિયમના ૫ ગણા અથવા રૂ. ૧૦,૦૦૦ સુધીનો ભયાનક દંડ થશે.
ત્રણ દાયકા જૂના અકસ્માત કેસનો નિકાલ અને વીમા માળખામાં ફેરફાર
સુપ્રીમ કોર્ટે જુલાઈ ૧૯૯૬ ના એટલે કે ૨૮ વર્ષ જૂના અકસ્માત કેસમાં તેલંગાણા હાઈકોર્ટના ચુકાદાને બહાલ રાખતા રાષ્ટ્રીય વીમા કંપનીની અપીલ ફગાવી દીધી હતી અને મૃતકના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વ્યાપક (Comprehensive) પોલિસીમાં વાહનના માલિકનો પણ કવરેજ સમાવિષ્ટ હોય છે. આ સાથે જ ખાનગી વાહનો માટે સરળ ૪-સ્તરીય વીમા માળખું બનાવવા અને ૧૪ ઓગસ્ટ સુધીમાં તમામ હિસ્સેદારોને પાલન સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
