<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

"ગરમીથી બચવા કૂતરાનું માંસ ખાઓ": ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો નાગરિકોને વિચિત્ર હુકમ

કોરિયન દ્વીપકલ્પમાં કાળઝાળ ગરમી અને હીટવેવ વચ્ચે શાસક પક્ષના અખબારની અનોખી હેલ્થ એડવાઈઝરી : શરીરની તાકાત વધારવા 'ડાંગોગી સૂપ' પીવાની સલાહ આપતાં વિશ્વભરમાં આશ્ચર્ય

નવી દિલ્હી :   વિશ્વભરમાં ભારે ગરમી અને હીટવેવથી બચવા માટે તબીબો ઠંડા પીણાં, કાકડી અને હળવો ખોરાક લેવાની સલાહ આપતા હોય છે, પરંતુ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના દેશમાંથી એક અત્યંત ચોંકાવનારો આદેશ સામે આવ્યો છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ પોતાના નાગરિકોને અસહ્ય ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે 'કૂતરાના માંસનો સૂપ' પીવાની અનોખી સલાહ આપી છે. હોંગકોંગ સ્થિત અખબાર 'સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ' ના અહેવાલ મુજબ, પ્યોંગયાંગના શાસક પક્ષના સત્તાવાર અખબાર 'રોડોંગ સિનમુન' માં આ આરોગ્ય સલાહકાર જાહેર કરવામાં આવી છે.

અખબારમાં પ્યોંગયાંગ જનરલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબોને ટાંકીને ચેતવણી આપવામાં આવી છે કે તીવ્ર ડિહાઇડ્રેશન અને ગરમીને કારણે હૃદયરોગ, ડાયાબિટીસ અને થાઇરોઇડના દર્દીઓની સ્થિતિ ગંભીર બની શકે છે. આ ગરમીનો સામનો કરવા અને શરીરમાં ઉર્જા જાળવી રાખવા માટે તરબૂચ, મગ અને કાકડીની સાથે-સાથે વિશેષ રૂપે કૂતરાના માંસમાંથી બનતો ગરમ સૂપ, માછલીનો દાળ અને લાલ કઠોળ ખાવાની ભલામણ કરાઈ છે. ઉત્તર કોરિયામાં કૂતરાના માંસને સ્થાનિક ભાષામાં 'ડાંગોગી'  કહેવામાં આવે છે, જેનો અર્થ 'મીઠું માંસ' થાય છે.

ઉત્તર કોરિયા વિશ્વના એવા બહુ ઓછા દેશોમાંથી એક છે જ્યાં કૂતરાના માંસના વેચાણ અને વપરાશ પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી, પરંતુ ત્યાં તેને એક પરંપરાગત હેલ્થ ટોનિક માનવામાં આવે છે. સરકારી તંત્ર દ્વારા આ પહેલાં પ્યોંગયાંગમાં રાષ્ટ્રીય કૂતરાના માંસની કૂકિંગ કોમ્પિટિશન પણ યોજવામાં આવી ચૂકી છે. જોકે, કડવી વાસ્તવિકતા એ છે કે આર્થિક સંકટથી જૂઝતા ઉત્તર કોરિયામાં 'ડાંગોગી' અત્યંત મોંઘી વાનગી હોવાથી સામાન્ય અને ગરીબ નાગરિકો માટે આ સરકારી સલાહનો અમલ કરવો અશક્ય સમાન છે.

(10:48 PM IST)