<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને મુક્ત કરાયા : સેંગીપટ્ટી પોલીસ સ્ટેશન બહાર કાર્યકર્તાઓનું શક્તિપ્રદર્શન

કાર્યકર્તાઓએ પાર્ટીના ઝંડા લહેરાવીને અને સરકાર વિરોધી તથા ઉધયનિધિના સમર્થનમાં નારા લગાવીને વાતાવરણ ગંજવી મૂક્યું

તમિલનાડુના રાજકારણમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. જાહેર સભા દરમિયાન કરાયેલી કથિત ટિપ્પણીઓ અંગે નોંધાયેલા કેસના સંદર્ભમાં પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ, તમિલનાડુ વિધાનસભાના વિપક્ષી નેતા અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને મુક્ત કરવામાં આવ્યા છે.

ઉદયનિધિ સ્ટાલિન તંજાવુરના સેંગીપટ્ટી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા, ત્યારે ત્યાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા DMK કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓએ પાર્ટીના ઝંડા લહેરાવીને અને સરકાર વિરોધી તથા ઉધયનિધિના સમર્થનમાં નારા લગાવીને વાતાવરણ ગંજવી મૂક્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિન પર એક જાહેર સભા દરમિયાન વિવાદાસ્પદ અને આક્ષેપપાત્ર નિવેદન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તેમની સામે ગુનો નોંધી આજે વહેલી સવારે કાનૂની કાર્યવાહીના ભાગરૂપે અટકાયત કરી હતી.

પોલીસ સ્ટેશનેથી મુક્ત થયા બાદ ઉદયનિધિ સ્ટાલિને પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો અને રાજકીય વિરોધીઓ સામે પોતાનો વિરોધ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(11:21 PM IST)