<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

CBSEની ત્રણ ભાષા નીતિ પર હોબાળો : સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ જામ્યો: ધોરણ 9ના વિદ્યાર્થીઓ પર વધારાના બોજ અંગે વકીલે વ્યક્ત કરી ભારે ચિંતા

દેશભરની શાળાઓમાં શિક્ષકો અને પુસ્તકોના અભાવ વચ્ચે નીતિ લાદવાનો આક્ષેપ : મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક સુનાવણીની આપી ખાતરી

નવી દિલ્હી:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન  દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવાયેલી ‘ત્રણ ભાષા નીતિ’ નો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આ નીતિને પડકારતી અરજીઓ પર વહેલી સુનાવણીની અપીલ કરી હતી. અગાઉ બુધવારે સુનાવણી માટે સૂચિબદ્ધ થયેલા આ કેસને યાદીમાંથી દૂર કરવામાં આવતા, અરજદારોના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે આ એક અત્યંત તાકીદનો વિષય છે, કારણ કે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ વચ્ચે આ નીતિ વિદ્યાર્થીઓ પર પરાણે લાદવામાં આવી રહી છે.

અદાલતમાં દલીલો રજૂ કરતા વરિષ્ઠ વકીલે ગંભીર આક્ષેપ કર્યો હતો કે દેશની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમની પસંદગીની ભાષા શીખવવા માટે ન તો પૂરતા શિક્ષકો ઉપલબ્ધ છે કે ન તો પાઠ્યપુસ્તકો. પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે કોલકાતાની ઘણી શાળાઓમાં હિન્દી, બંગાળી અને સંસ્કૃતના વિકલ્પો તો બતાવવામાં આવે છે, પરંતુ ત્યાં સંસ્કૃત કે હિન્દી ભણાવવા માટે શિક્ષકો જ નથી. વર્ષ 2030 સુધીમાં તબક્કાવાર રીતે લાગુ કરવાની આ ફોર્મ્યુલા હેઠળ 22 ભાષાઓના વિકલ્પો આપવાની વાત છે, પરંતુ વાસ્તવિકતામાં વર્ગખંડમાં બાળકો શિક્ષકો અને પુસ્તકો વગર બેસી રહેવા મજબૂર બન્યા છે.

ધોરણ 9ના વિદ્યાર્થીઓ પર બોર્ડની પરીક્ષાઓનું પહેલેથી જ ભારે માનસિક દબાણ હોય છે, ત્યારે ત્રીજી ભાષાની ફરજિયાતતા તેમના માટે વધારાનો માનસિક તણાવ ઊભો કરી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ પણ ટિપ્પણી કરી હતી કે ભાષા પસંદ કરવાનો વિકલ્પ ધોરણ 6થી જ મળવો જોઈએ અને શાળાઓમાં મળતા વિકલ્પો વાસ્તવિક હોવા જોઈએ. વકીલ ગોપાલ શંકર નારાયણે ધોરણ 9 માટે આ ફરજિયાત નીતિ હટાવવા અપીલ કરી હતી, જેના પર સકારાત્મક વલણ દાખવીને ચીફ જસ્ટિસે આ મામલાને આવતીકાલે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાની ખાતરી આપી હતી.

(10:27 PM IST)