<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

પાક સેનાનું તાંડવ: મસ્જિદો પર કબજો: ઇમામ પર અમાનુષી અત્યાચાર અને મીરપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ

પીઓકેમાં JKJAACના વિરોધ પ્રદર્શનને કચડવા મુનીરની આર્મીની બર્બરતાપૂર્ણ કાર્યવાહી : ભીમ્બર અને મીરપુરમાં પવિત્ર સ્થળોની મર્યાદા નેવે મુકાતાં નાગરિકોમાં ઉગ્ર આક્રોશ

રાવલકોટ :  પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં પરિસ્થિતિ હવે અત્યંત વિસ્ફોટક અને દર્દનાક વળાંક લઈ ચૂકી છે. લોકશાહી અને માનવાધિકારોની માંગ કરી રહેલી નિર્દોષ જનતા પર પાકિસ્તાની સેના રાક્ષસી ક્રૂરતા આચરી રહી છે. સનાતન અને ઇસ્લામિક મૂલ્યોના બડાઈ હાંકનારા પાકિસ્તાની સેનાપતિ અસીમ મુનીરની સેનાએ હવે સુરક્ષાના નામે મસ્જિદો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. મીરપુર ડિવિઝન અને ભીમ્બર જિલ્લામાંથી સામે આવેલાં આઘાતજનક અહેવાલો મુજબ, બંદૂકના જોરે સેનાના જવાનો મસ્જિદોમાં ઘૂસી રહ્યા છે અને તેનો વિરોધ કરનારા ધર્મગુરુઓ તથા ઇમામો પર દયા વગર અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યા છે.

અહેવાલો અનુસાર, ભીમ્બર વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ મસ્જિદ પરિસરમાં બળજબરીથી ઘૂસીને તેને પોતાના સૈન્ય અડ્ડામાં ફેરવી દીધી હતી. આ કાયરતાપૂર્ણ કૃત્યનો વિરોધ કરવા જ્યારે મીરપુરના એક સ્થાનિક ઇમામ આગળ આવ્યા અને પવિત્ર સ્થાનમાં હિંસા અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે મુનીર આર્મીના ગુંડાઓએ તેમને ઢોર માર માર્યો હતો. મસ્જિદની પવિત્રતા જાળવવા માટે ઇમામે પોતાનું શરીર ઢાલ બનાવી દીધું હતું, પરંતુ લશ્કરી જવાનોએ તેમની ઉંમર કે ધાર્મિક મર્યાદાનો સેંકડો અંશ પણ વિચાર કર્યા વગર લોહીલુહાણ કરી નાખ્યા. આ બર્બર ઘટનાના સમાચાર બહાર આવતા જ સમગ્ર પીઓકેમાં લોકોના કરોડરજ્જુમાં ધ્રુજારી છૂટી ગઈ છે.

પાકિસ્તાની શાસકો આ ક્રૂરતા અને નરસંહારના પુરાવા વિશ્વ સામે આવતા રોકવા માટે સમગ્ર મીરપુર ડિવિઝનમાં સંપૂર્ણ ઇન્ટરનેટ અને સંચાર બ્લેકઆઉટ કરી ચૂક્યા છે. લોકો પોતાના સગા-સંબંધીઓની ભાળ મેળવી શકતા નથી અને ઇમરજન્સી મેડિકલ સહાય પણ બંધ થઈ ગઈ છે. આમ છતાં, જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી (JKJAAC) ના નેતૃત્વ હેઠળ પીઓકેના નાગરિકો પાકિસ્તાની આર્મીની બંદૂકો અને ટીયર ગેસના શેલ સામે નમવા તૈયાર નથી. પાયાના અધિકારો, મોંઘવારી અને આર્મીની દાદાગીરી સામે આરપારની લડાઈ લડી રહેલા સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે સેના ગમે તેટલા અત્યાચાર ગુજારે, પરંતુ તેઓ પોતાની માતૃભૂમિ માટેની આ લડાઈ ચાલુ જ રાખશે.

(10:33 PM IST)