<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

બાંકીપુર હાર બાદ ગિરિરાજ સિંહે પ્રશાંત કિશોર પર સવાલ ઉઠાવ્યા : સોશિયલ મીડિયા પર યુઝર્સે મંત્રીને જ ઘેરી લીધા

અન્યને સલાહ આપવાને બદલે પોતાનું મંત્રાલય સંભાળો": બિહારની બાંકીપુર પેટાચૂંટણીમાં જન સૂરજ સામે ભાજપની હાર બાદ સોશિયલ મીડિયા પર રાજકીય સંગ્રામ આક્રમક બન્યો

પટના :  બિહારની  બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી સામે થયેલી કારમી હાર બાદ ભાજપના જનપ્રતિનિધિઓ અને નેતાઓ હવે સોશિયલ મીડિયા પર સામસામે આવી ગયા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિડીયો સંદેશ જાહેર કરીને પ્રશાંત કિશોર પર ખોટો નેરેટિવ બનાવવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ આ દાવ તેમના પર જ ઊંધો પડ્યો છે અને નેટીઝન્સે કોમેન્ટ સેક્શનમાં કેન્દ્રીય મંત્રીને બરાબરના ઘેરી લીધા છે.

ગિરિરાજ સિંહે પ્રશાંત કિશોરને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે ભાજપના કોઈ નેતાએ "કૂતરા કે બિલાડીને ટિકિટ આપશે તો પણ જીતશે" તેવું વિવાદિત નિવેદન આપ્યું હોય તેવી કોઈ વિડીયો ક્લિપિંગ હોય તો સામે લાવે. મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે પ્રશાંત કિશોરે ચૂંટણી જીતવા માટે બાંકીપુરને બેંગલુરુ બનાવવાની હવાની વાતો કરી હતી. જોકે, વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે તીખી પ્રતિક્રિયાઓ આપી મંત્રીના આ નિવેદનને હારની હતાશા ગણાવી હતી અને ટિપ્પણી કરી હતી કે "બીજા પર સવાલો ઉઠાવવાને બદલે પોતાના મંત્રાલયનો હવાલો સંભાળો."

રાજકીય વિશ્લેષકોના મતે બાંકીપુરમાં જન સૂરજ પાર્ટી સામે ભાજપની પરાજયથી પક્ષના સ્થાનિક અને કેન્દ્રીય નેતૃત્વમાં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જનતા હવે માત્ર નિવેદનબાજી કે વાર્તાઓ સાંભળવા તૈયાર નથી પરંતુ કામગીરીના આધારે જવાબદારી માંગી રહી છે. યુઝર્સ અને સમર્થકો બંને તરફથી આવી રહેલા આકરા જવાબોથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક મુદ્દાઓ અને વિકાસ કાર્યો તરફ ધ્યાન આપવાને બદલે માત્ર રાજકીય આક્ષેપો કરવાનો વિકલ્પ હવે નેતાઓ માટે ભારે પડી રહ્યો છે.

(10:32 PM IST)