<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

મધ્ય પ્રદેશ સરકારનો નિર્ણય: મંત્રીઓ અને ધારાસભ્યોના ફ્રી હેરકટ: ધોબી અને ભોજન ભથ્થા પર વાગશે કાતર

સરકારી તિજોરી પરનો અનાવશ્યક બોજ ઘટાડવા અને નાણાકીય શિસ્ત લાવવા માટે ૭૪ જૂની બજેટ જોગવાઈઓ સંપૂર્ણપણે રદ : રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા

ભોપાલ :  રાજકારણીઓની વિશિષ્ટ 'વીઆઈપી સંસ્કૃતિ' અને વગર કારણે અપાતી લક્ઝરી સુવિધાઓ પર મધ્ય પ્રદેશ સરકારે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી ચાબુક ચલાવ્યો છે. આગામી નાણાકીય વર્ષના બજેટમાં સરકારે રાજકીય નેતાઓને મળતા અનેક જૂના તથા અપ્રસ્તુત ભથ્થાઓ પર આકરી કાતર ફેરવવાનો આદેશ આપ્યો છે. હવેથી મંત્રીઓ અને ધારાસભ્યોને પોતાના વાળ કાપવા (હેરકટ), કપડાં ધોવડાવવા (વોશિંગ) તેમજ અનાજ ખરીદવા અને તહેવારો ઉજવવા માટે સરકારી તિજોરીમાંથી મળતાં ભથ્થાઓ ભૂતકાળ બની જશે.

આગામી બજેટમાં નાણાકીય પારદર્શિતા લાવવાના હેતુથી સરકારે બજેટરી પ્રોગ્રામેટિક આઇટમ્સમાંથી કુલ ૭૪ બિનજરૂરી વસ્તુઓને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નાબૂદ કરાયેલી જોગવાઈઓમાંથી ૧૫ જેટલી સીધી રીતે મંત્રીઓ અને ધારાસભ્યોના વ્યક્તિગત અને વહીવટી ખર્ચાઓ તથા વિશેષાધિકારો સાથે સંબંધિત છે. આ અંતર્ગત રજા મુસાફરી ભથ્થું , ફેસ્ટિવલ એડવાન્સ, અનાજ ખરીદી માટેના એડવાન્સ અને પ્રતિનિધિત્વ સંબંધિત વિશેષ ભથ્થાઓને એકઝટકે રદ કરી દેવાયાં છે.

રાજ્યના બજેટ ઇતિહાસમાં આ પગલાને અત્યાર સુધીનો સૌથી મોટો વહીવટી અને નાણાકીય સુધાર ગણાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે વર્ષો જૂના અને વર્તમાન સમયમાં અસંગત બની ગયેલા આ ખર્ચાઓને બંધ કરવાથી પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાની બચત થશે અને સરકારી સંસાધનોનો ઉપયોગ પ્રજાકલ્યાણના કામોમાં થઈ શકશે. આ નિર્ણયથી અન્ય રાજ્યોને પણ વીઆઈપી સંસ્કૃતિ નાબૂદ કરવાનો એક સ્પષ્ટ અને મજબૂત સંદેશો મળ્યો છે.

(10:33 PM IST)