<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

દિલ્‍હીમાં વડાપ્રધાન મોદીને મળ્‍યા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : પોરબંદરમાં રૂ.૨૭,૫૦૦ કરોડના ખર્ચે મેગાશિપ યાર્ડને આપી મંજૂરી

પાઘડી અને સાલ અર્પણ કરીને સન્‍માન કર્યું તથા પોતાના વિભાગની કામગીરી અને પોરબંદર જિલ્‍લાના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્‍યું

નવી દિલ્‍હી તા.૫: રાજ્‍ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નવી દિલ્‍હીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની સૌજન્‍ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોરબંદરમાં રૂ.૨૭,૫૦૦ કરોડના મૂડીરોકાણથી મેગાશિપ બિલ્‍ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. મુલાકાત દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાનને પરંપરાગત ગુજરાતી પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરીને તેમનું સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે બંને નેતાઓ વચ્‍ચે પોરબંદર જિલ્‍લાના વિકાસ અને રાજ્‍ય સરકારના વિવિધ પ્રકલ્‍પો અંગે વિસ્‍તૃત ચર્ચા થઈ હતી.

પોરબંદરમાં પ્રસ્‍તાવિત મેગાશિપ બિલ્‍ડિંગ યાર્ડને દેશના મહત્‍વપૂર્ણ ઔદ્યોગિક પ્રકલ્‍પોમાંથી એક માનવામાં આવી રહ્યો છે. રૂ.૨૭,૫૦૦ કરોડના મૂડીરોકાણથી આ પ્રકલ્‍પ અમલમાં આવતા સ્‍થાનિક સ્‍તરે મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. સાથે સાથે દરિયાઈ વેપાર, શિપિંગ અને સંબંધિત ઉદ્યોગોને પણ પ્રોત્‍સાહન મળશે.

મુલાકાત દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને કામગીરી અંગે વડાપ્રધાનને વિસ્‍તૃત માહિતી આપી હતી. વિભાગીય વિકાસ, અમલીકરણની સ્‍થિતિ અને આગામી આયોજન અંગે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પોરબંદરના વિકાસ કાર્યો પર ચર્ચા અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્‍લામાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે પણ વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી. જિલ્‍લામાં માર્ગ, બંદર, ઔદ્યોગિક વિકાસ અને જાહેર સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હોવાનું જણાવાયું છે.

કેન્‍દ્ર-રાજ્‍ય સંકલનને મળશે મજબૂતી આ મુલાકાતને પોરબંદર જિલ્‍લાના વિકાસ માટે મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે. કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્‍ચેના સંકલનથી જિલ્‍લામાં મોટા ઔદ્યોગિક અને આધુનિક વિકાસ પ્રકલ્‍પોને વધુ ગતિ મળશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(10:51 AM IST)