News of Wednesday, 5th August 2026
વોટ્સએપે ઉંમરના વેરિફિકેશન માટે પરીક્ષણ શરૂ કર્યું
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદાના અમલની તૈયારી : નવા ડેટા પ્રાઈવસી કાયદામાં બાળકો અને સગીરોના પર્સનલ ડેટાની સુરક્ષા માટે વિશેષ નિયમો બનાવાયા છે

નવી દિલ્હી તા.૫: ભારતમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (ડીપીડીપી) કાયદાનો અમલ શરૂ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે યુઝરની ઉંમરના વેરિફિકેશનના પરીક્ષણ માટે પ્રાઈવસી ટેસ્ટિંગ ફીચર શરૂ કર્યું છે તેમ પેરેન્ટ કંપની મેટાએ મંગળવારે જણાવ્યું હતું. જોકે, કંપનીએ કહ્યું કે, આ પરીક્ષણ વૈકલ્પિક છે અને યુઝર્સે વોટ્સએપનો વપરાશ ચાલુ રાખવા તેમની ઉંમરનું વેરિફિકેશન કરવાની જરૂર નથી.
મેટાએ કહ્યું કે, ઉંમર વેરિફિકેશનનું, પરીક્ષણ વૈકલ્પિક હોવાની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સની ઉંમરની માહિતી ખાનગી રાખશે અને તે કોઈને પણ અપાશે નહીં. આ પરીક્ષણમાં યુઝરે તેની જન્મ તારીખ જણાવવાની હોય છે. વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (ડીપીડીપી) કાયદાનો અમલ થવાનો છે ત્યારે મેસેજિગ પ્લેટફોર્મ પહેલાથી જ લોકો માટે તેમની ઉંમરની પુષ્ટી માટે પ્રાઈવસી અને રક્ષણાત્મક માર્ગોનું પરીક્ષણ કરી રહ્યા છીએ. જોકે, તેનાથી વોટ્સએપના કામ કરવાની રીતમાં અથવા અનુભવમાં કોઈ ફેરફાર નહીં થાય.
વોટ્સએપે પરીક્ષણ શરૂ કરતા યુઝર્સ વોટ્સએપના મેસેજના સ્ક્રીન શોટ્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી રહ્યા છે. પ્લેટફોર્મના જન્મ તારીખ સંબંધિત આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં આગામી કાયદાના પાલનની જરૂરિયાત માટે અમે તમારી ઉંમર પૂછી રહ્યા છીએ. વોટ્સએપના આ મેસેજથી ઉંમરના વેરિફિકેશનની ભાવી જરૂરિયાતો માટે મેસેજિગ પ્લેટફોર્મ અત્યારથી તૈયારી કરી રહ્યું હોવાની દેશભરમાં સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
ડીપીડીપી એક્ટ ૨૦૨૩ ભારતનો નવા ડેટા પ્રાઈવસી કાયદો છે, જેમાં બાળકો અને સગીરોના પર્સનલ ડેટાની સુરક્ષા માટે વિશેષ નિયમો બનાવાયા છે. દેશમાં નજીકના સમયમાં લાગુ થનારો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદો વ્યક્તિગત ડેટાના સંરક્ષણના અધિકાર અને કાયદાકીય હેતુઓ માટે આવા ડેટાની પ્રક્રિયાની જરૂરિયાતને સંતુલિત કરતા ડિજિટલ પર્સનલ ડેટાના પ્રોસેસિગને નિયંત્રિત કરે છે. સૂચિત કાયદો ૧૮ વર્ષથી નીચેના સગીરો અને બાળકોના પર્સનલ ડેટાના પ્રોસેસિગની વાત આવે ત્યારે પ્લેટફોર્મ માટે જોગવાઈઓને આકરી બનાવે છે.
સૂચિત નિયમોનો સંપૂર્ણપણે અમલ શરૂ થયા બાદ વોટસએપ જેવા પ્લેટફોર્મે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના કોઈપણ અંગત ડેટાને પ્રોસેસ કરવા માટે બાળકના માતા-પિતા અથવા કાયદાકીય વાલીની સંમતિ મેળવવી જરૂરી બનશે. પ્લેટફોર્મેસે આ મંજૂરી ઓથેન્ટિક હોય તેની ખાતરી માટે યોગ્ય ટેકનિકલ અને સંસ્થાગત જરૂરિયાતો અપનાવવી પડશે તેમ સૂત્રોએ જણાવ્યું હતુ.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
