News of Wednesday, 5th August 2026
૨૮મીએ ભદ્રાના ઓછાયા વિના ઉજવાશે રક્ષાબંધન મનાવાશે
૨૭મીએ સવારે પૂર્ણિમા શરૂ, પણ સૂર્યોદય તિથિમાં ૨૮મીએ ઉજવણી, રક્ષાબંધને જ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, પણ વેધ પાળવાનો નથી

મુંબઇ તા.૫: હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વાચા આપતા પર્વ રક્ષાબંધનની ઉજવણી ૨૮ ઓગસ્ટના રોજ થશે. ભદ્રા, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અને તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે પર્વની ઉજવણીને લઈને અનેક ગડમથલ જોવા મળી રહી છે. જોકે, ભદ્રાના ઓછાયો ન હોય પર્વની ૨૮મીએ રંગારંગ ઉજવણી થઇ શકશે. આ સાથે જ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે વેધ પાળવાનો ન હોય ચંદ્રગ્રહણનું ગ્રહણ પણ નહીં નડશે એવો મત જ્યોતિષીઓ આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન પર્વના રોજ ભદ્રાના ગ્રહણને લઈને દર વર્ષે મૂંઝવણ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવાનું અશુભમાનવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વની રંગારંગ ઉજવણી સાથે ભદ્રાનો ઓછાયો ન હોય તે અંગેની મૂંઝવણ દૂર થશે. જયોતિષીના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે તિથિ, ગહણ અને ભદ્રાને લઈને અનેક ગડમથલો જોવા મળી રહી છે. ખાસ કરીને પહેલા તબક્કામાં જ તિથિના વિચિત્ર સંયોગને કારણે રક્ષાબંધન ૨૭ કે પચી ૨૮ ઓગસ્ટ, ક્યારે છે તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા. પંચાગ પ્રમાણે ૨૭ ઓગસ્ટના ગુરુવારે સવારે ૯.૦૯ વાગ્યાથી પૂર્ણિમા તિથિ શરૂ થાય છે અને ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૯.૪૯ વાગ્યે પૂર્ણિમા પૂર્ણ થાય છે. આ સ્થિતિમાં સૂર્યોદય તિથિની ગણતરી કરવામાં આવતી હોય શુક્રવારે ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવશે.
વધુમાં, ૨૭ ઓગસ્ટના ગુરુવારે વ્રતની પૂનમ, નાળિયેરી પૂનમ રહેશે. જ્યારે ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન સાથે ઝૂલનયાત્રા, જીવંતિકા વત, અમરનાથ યાત્રા સમાપ્ત, કોકિલા વ્રત સમાપ્ત, સર્વદેવ પવિત્રા રોપણ, ઋષિતર્પણ સહિતના પ્રસંગો ઉજવાશે. પૂર્ણિમા તિથિ સવારે ૯.૪૯ વાગ્યા સુધી જ હોય તે દિવસે સૂર્યોદયથી સવારે ૯.૪૯ વાગ્યા સુધીમાં ભાઈને રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણી શકાય. વળી, ભદ્રાનો ઓછાયો નડતો નથી. ભદ્રા ૨૭મીના ગુરુવારે રાત્રીએ ૯.૩૩ વાગ્યે જ પૂર્ણ થઇ જાય છે. એટલે ૨૮મીના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી આડે ભદ્રાનું ગ્રહણ નડશે નહીં.
ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય રક્ષાબંધન આડે ચિંતા નહીં
જ્યોતિષીના જણાવ્યા મુજબ, ૨૮ ઓગસ્ટના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. ઉપછાયારૂપે ગ્રહણનો સ્પર્શ સવારે ૬:૫૫ વાગ્યે, પ્રચ્છાયારૂપે સવારે ૮.૦૪ વાગ્યે સ્પર્શ થશે. ગ્રહણ મધ્ય સવારે ૯.૪૩ વાગ્યે હશે. પ્રચ્છાયારૂપે અંતિમ સ્પર્શ સવારે ૧૧.૨૧ વાગ્યે. ઉપછાયારૂપે અંતિમ સ્પર્શ બપોરે ૧૨.૩૦ વાગ્યે હશે. ખંડગ્રાસની અવધિ ૩.૧૬ કલાક અને ઉપછાયાની અવધિ ૫.૩૫ કલાકની રહેશે. જોકે, આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ ગ્રહણ ઉત્તર-દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં દેખાશે. ભારતમાં દેખાવાનું ન હોય તેનો વેધ પાળવાનો નથી. એટલે રક્ષાબંધન પર્વ આડે ગ્રહણનું વિઘ્ન નડશે નહીં.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
