News of Wednesday, 5th August 2026
કમ્પ્યૂટર પાર્ટ્સના ભાવમાં ૨૦૦ ટકાથી વધુનો ઉછાળો
છેલ્લા આઠ મહિનામાં ભાવ વધારો અને ઘટાડો થવાના લીધે વેપારીઓ પણ મૂંઝવણમાં : ચિપ બનાવવા માટે સૌથી વધુ વપરાશ મેમરી પાર્ટ્સનો થતો હોવાની સીધી અસર

મુંબઇ તા.૫: છેલ્લા આઠ મહિનામાં કોમ્પ્યૂટર પાર્ટ્સના ભાવમાં ૨૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. તેમાં પણ મેમરીને લગતા પાર્ટ્સમાં આ વધારો સૌથી વધુ નોંધાયો છે. કારણ કે એઆઈની ચિપ બનાવવામાં મેમરીને લગતા પાર્ટ્સનો સૌથી વધુ વપરાશ થઈ રહ્યો છે તેની સીધી અસર પાર્ટ્સ પર જોવા મળી રહી છે. દિવાળી પછી કોમ્પ્યૂટર પાર્ટ્સના ભાવમાં ભારે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.
જ્યારે કેટલીક વખત તો એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જરૂરિયાત હોય તેવા પાર્ટ્સ બજારમાં મળતા પણ નથી. આ માટેનું કારણ જણાવતા જાણકારો કહી રહ્યા છે કે એઆઇના વધતા ઉપયોગને કારણે મોટી મોટી કંપનીઓને પણ મેમરીને લગતા પાર્ટ્સનો ઉપયોગ વધારી દીધો છે. તેના લીધે બજારમાં માંગ પ્રમાણે પુરવઠો મળતો નથી. જ્યારે પાર્ટ્સ બનાવતી કંપનીઓ દર વર્ષે પાર્ટ્સનું ઉત્પાદન કરતી હોય તેમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો કરીને પાર્ટ્સ બનાવતી હોય છે. એટલે કે વર્ષ ૨૦૨૫માં ભારતમાં દસ કરોડ માઉસનું વેચાણ થયું હોય તો વર્ષ ૨૦૨૬માં તેનું ઉત્પાદન વધારીને ૧૦ કરોડ ૧૦ લાખ કરવામાં આવતું હોય છે. આ કારણોસર બજારમાં તેની ઘટ રહેતી નથી, પરંતુ હાલના સમયમાં મોટી મોટી કંપનીઓ જ મોટા ઓર્ડર કરીને તેઓ જ એકસામટી ખરીદી કરી રહ્યા છે. તેની સીધી અસર લોકલ માર્કેટ પર પડી રહી છે. જોકે દિવાળી પછી ભાવ વધારો થઈ રહ્યો છે, પરંતુ બે મહિના પહેલા અચાનક જ ભાવ ઘટાડો પણ થયો હતો. તે માટેનું કારણ એવું છે કે મોટી મોટી કંપનીઓ દ્વારા જે સ્ટોક કરીને રાખવામાં આવ્યો હતો તેનું ઓછા ભાવે વેચાણ કરી દેવાનું શરૂ કરતા બે મહિના સુધી બજારમાં ભાવ ઘટાડો પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ ફરી ભાવ વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.(૩૮.૭)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
