<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ઝારખંડમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોએ હવે સોનમ વાંગચુકના આગ્રહ પર પાણી પીધું :ભૂખ હડતાલ યથાવત

ઝારખંડમાં JPSC સહિત વિવિધ ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોની ભૂખ હડતાળ હવે નવા તબક્કામાં પહોંચી : પરીક્ષામાં પારદર્શિતા અને ન્યાયની માંગ સાથે તેમનો વિરોધ યથાવત ચાલુ

ઝારખંડમાં JPSC સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો છેલ્લા 4 દિવસથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે. તેઓ મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. 4 દિવસ સુધી ખોરાક અને પાણીનો ત્યાગ કર્યા બાદ બુધવારે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સાથે થયેલા વીડિયો કોલ પછી તેમણે પાણી પીધું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની ભૂખ હડતાળ સમાપ્ત થઈ નથી અને વિરોધ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

વીડિયો કોલ દરમિયાન સોનમ વાંગચુકે મહતોને સમજાવ્યું કે શાંતિપૂર્ણ વિરોધ લાંબી લડાઈ છે અને તેમાં સ્વાસ્થ્ય જાળવવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું, "અમે વિરોધ કરવા માંગીએ છીએ, આત્મહત્યા નહીં." વાંગચુકે મહતોને પાણી પીવાની અપીલ કરી અને જણાવ્યું કે જો વિરોધ શાંતિપૂર્ણ અને સતત રહેશે તો સરકારને એક દિવસ લોકોની માંગ સ્વીકારવી જ પડશે. તેમની આ અપીલ બાદ મહતોએ પાણી પીધું, પરંતુ ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય યથાવત રાખ્યો.

 દેવેન્દ્રનાથ મહતો હાલમાં જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા છે. તેઓ JPSC, JSSC-CGL  અને  ભરતી પરીક્ષાઓમાં કથિત પેપર લીક તથા ગેરરીતિઓ સામે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે.

મહતોએ જણાવ્યું કે તેઓ 25 જુલાઈથી સત્યાગ્રહ કરી રહ્યા છે અને 2 ઓગસ્ટથી સંપૂર્ણ ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા 26 વર્ષથી પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિઓ થઈ રહી છે. ડૉક્ટરોએ પણ ચેતવણી આપી હતી કે જો તેઓ પાણી નહીં પીવે તો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. અંતે સોનમ વાંગચુકના આગ્રહને માન આપી તેમણે માત્ર પાણી પીધું, પરંતુ ન્યાયની માંગ સાથે તેમનો વિરોધ હજુ પણ અવિરત ચાલુ છે.

(1:22 PM IST)