<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

E 20 ઇંધણ મામલે નીતિન ગડકરીના ડીપફેક વિડિઓ અને AI તસવીરો મામલે હાઈકૉર્ટનું કડક વલણ :તાત્કાલિક હટાવવા મેટા અને ગૂગલને આપ્યા આદેશ

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આવા કન્ટેન્ટ માટે કોઈ પણ સાર્વજનિક પ્લેટફોર્મ પર કોઈ જગ્યા હોઈ ન શકે

 કેન્દ્રીય  માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને E20 ઈંધણ વિવાદ સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાઈ રહેલા ડીપફેક વીડિયો અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થી બનાવાયેલી તસવીરોના મામલે બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે મંત્રીની અરજી પર સુનાવણી કરતા આવા તમામ વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક ધોરણે પબ્લિક પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટના જસ્ટિસ આરિફ ડોક્ટરની બેંચે નીતિન ગડકરીના વકીલ સંદીપ લડ્ડાની દલીલો સાંભળ્યા બાદ આ આંતરિમ આદેશ જારી કર્યો હતો.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટ સમક્ષ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ અને AI જનરેટેડ કન્ટેન્ટ રજૂ કર્યું હતું. આ સામગ્રી જોયા બાદ જસ્ટિસ આરિફ ડોક્ટરે સખત વલણ અપનાવતા કહ્યું હતું કે, અરજીમાં દર્શાવવામાં આવેલું કન્ટેન્ટ અત્યંત આપત્તિજનક અને અશ્લીલ છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આવા કન્ટેન્ટ માટે કોઈ પણ સાર્વજનિક પ્લેટફોર્મ પર કોઈ જગ્યા હોઈ ન શકે, કારણ કે આ પ્લેટફોર્મ્સ બાળકો અને યુવાનો સહિત તમામ માટે સરળતાથી ઉપલબ્ધ હોય છે. કોર્ટે માન્યું કે ગડકરી વતી વચગાળાની રાહત મેળવવા માટે મજબૂત પુરાવા અને આધાર રજૂ કરવામાં આવ્યા છે.

આ કેસની સુનાવણી દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓ મેટા (Meta) અને ગૂગલ (Google) તરફથી પણ કોર્ટમાં પક્ષ રાખવામાં આવ્યો હતો. બંને ટેક કંપનીઓએ અદાલતને ખાતરી આપી હતી કે અરજીમાં યાદીબદ્ધ કરવામાં આવેલી તમામ વાંધાજનક અને ડીપફેક સામગ્રીને તેઓ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવી દેશે. કોર્ટે કંપનીઓના આ નિવેદનને સ્વીકારી લીધું છે અને હવે આ મામલે આગામી સુનાવણી 4 અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.

(1:53 PM IST)