News of Wednesday, 5th August 2026
તમિલનાડુ સરકારનો ‘માસ્ટરસ્ટ્રોક'!: ફ્રી લેપટોપ, સાયકલ, AI ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપની હેટ્રિક સાથે બજેટ જાહેર
Gen-Z ના દિલ જીતવા રમતગમતથી લઈને ઈવી મિકેનિક્સ સુધીના યુવાલક્ષી પગલાંથી રાજકીય ચર્ચા

ચેન્નઈ, તા.૫: તમિલનાડુ સરકારે દેશમાં યુવા પેઢી એટલે કે Gen-Zના દિલ જીતવા માટે બજેટમાં જાહેરાતોનો મોટો વિસ્ફોટ કર્યો છે. કોલેજ જતા યુવાનો માટે રૂ.૨,૦૦૦ કરોડના જંગી બજેટ સાથે ‘વેટ્રી લેપટોપ યોજના'ની જાહેરાત કરવામાં આવી છે, કારણ કે વર્તમાન સમયમાં ઓનલાઈન કોર્સ, AI ટૂલ્સ અને ફ્રીલાન્સિંગ માટે લેપટોપ પાઠ્યપુસ્તકો જેટલું જ અનિવાર્ય બની ગયું છે. આ ઉપરાંત, ૧૧મા ધોરણના ૫.૩૨ લાખ વિદ્યાર્થીઓને માત્ર સાયકલ જ નહીં, પણ હેલ્મેટ અને વોટર બોટલ સાથેની સ્પેશિયલ કિટ આપવા માટે રૂ.૨૭૭ કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં બજેટ ભાષણમાં સીધા જ આ વિદ્યાર્થીઓન 'Gen-Z' તરીકે સંબોધવામાં આવ્યા હતા.
ડિજિટલ યુગના બદલાતા પ્રવાહને પારખીને સરકારે શિક્ષણને AI અને મશીન ર્લનિંગ સાથે જોડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. IIT મદ્રાસના સહયોગથી ૨૦૩૧ સુધીમાં ૫ લાખ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જ્યારે ૫૦ આઈટીઆઈ ITI માં નવા ટ્રેડ શરૂ કરીને ૨૪,૦૦૦ વિદ્યાર્થીઓને આધુનિક કૌશલ્યથી સજ્જ કરાશે. એટલું જ નહીં, ‘વેટ્રી સ્કિલ ટ્રેનિંગ સ્કીમ' હેઠળ ૧.૨ મિલિયન કોલેજિયન અને ૧ લાખ બેરોજગાર યુવાનોને ઈન્ડસ્ટ્રી-ઓરિએન્ટેડ તાલીમ આપીને ૨૦,૦૦૦ યુવાનોને માસિક સ્ટાઈપેન્ડ સાથેની ઈન્ટર્નશિપ પૂરી પાડવાનો રોડમેપ રજૂ કરાયો છે.
બજેટમાં નવીનતમ ટેકનોલોજીની સાથે પરંપરાગત કૌશલ્યોના અપગ્રેડેશન અને રમતગમત પર પણ વિશેષ ભાર મૂકાયો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને ૨૨,૫૦૦ મિકેનિક્સને ઈવી મેઈન્ટેનન્સની ટ્રેનિંગ અપાશે, જેમાં ૧૨,૫૦૦ હયાત મિકેનિક્સનો પણ સમાવેશ થાય છે. રમતના ક્ષેત્રે ડ્રગ્સ સામે જંગ છેડતા ૧૦ ઓલિમ્પિક સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્થાપવાની અને શાળાઓમાં દરરોજ એક કલાક સ્પોર્ટ્સ માટે ફાળવવાની યોજના ઘડી છે. આ તમામ યુવા-કેન્દ્રી જાહેરાતો વચ્ચે સરકારે NEET પરીક્ષાનો વિરોધ દોહરાવીને ધોરણ ૧૨ના માર્ક્સના આધારે મેડિકલ એડમિશન આપવાની માંગણી સાથે રાજકીય સંદેશ પણ પાઠવ્યો છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
