News of Wednesday, 5th August 2026
ટૂરિસ્ટ્સ માટે ઓમાન સરકારની મોટી ભેટ: 14 દિવસના મફત ટૂરિસ્ટ વિઝાની કરી જાહેરાત; શૂન્ય વિઝા ફી સાથે ટૂંકી મુસાફરી બનશે વધુ સરળ
રોયલ ઓમાન પોલીસ દ્વારા વિદેશીઓના નિવાસ કાયદામાં કરાયો મહત્વનો સુધારો: વિઝા સમાપ્ત થાય તે પહેલાં અન્ય શ્રેણીમાં રૂપાંતરિત કરવાની પણ મળશે ખાસ સુવિધા

મસ્કત: તા.05: આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને વિદેશી પ્રવાસીઓ માટે ટૂંકા ગાળાની યાત્રા અત્યંત સરળ બનાવવાના હેતુથી ઓમાન સરકારે એક મોટો અને આવકારદાયક નિર્ણય લીધો છે. નવા જાહેર કરાયેલા નિયમો હેઠળ, પસંદગીના દેશોના નાગરિકો માટે ૧૪-દિવસના મફત પ્રવાસી વિઝા (Free Tourist Visa) રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ અને કસ્ટમ્સના મહાનિરીક્ષક લેફ્ટનન્ટ જનરલ હસન બિન મોહસીન અલ શ્રાઇકી દ્વારા જારી કરાયેલા રોયલ ઓમાન પોલીસ ડિસિઝન નંબર ૧૦૯/૨૦૨૬ હેઠળ આ નવો કાયદો સત્તાવાર રીતે અમલી બનાવી દેવામાં આવ્યો છે.
આ નવા સુધારા હેઠળ વિદેશીઓના નિવાસ કાયદામાં એક નવી વિઝા શ્રેણી ઉમેરવામાં આવી છે, જેમાં વિઝા ફી 'શૂન્ય ઓમાની રિયાલ' નક્કી કરવામાં આવી છે. આ વિઝાની સૌથી મોટી ખાસિયત એ છે કે જો કોઈ મુલાકાતી પોતાના રોકાણને લંબાવવા માંગતા હોય, તો તેઓ આ મફત વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં તેને જરૂરી શરતો અને ફી ચૂકવીને અન્ય કોઈપણ પ્રવાસી વિઝા શ્રેણીમાં સરળતાથી રૂપાંતરિત (Convert) કરી શકશે.
જોકે, ઓમાની સત્તાવાળાઓએ હજુ સુધી આ મફત વિઝા યોજના માટે લાયક દેશોની અંતિમ સૂચિ જાહેર કરી નથી, પરંતુ ટૂંક સમયમાં જ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓમાન પહેલાથી જ ભારત, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયનના દેશો સહિત ૧૦૦થી વધુ દેશોના નાગરિકોને નિર્ધારિત શરતો હેઠળ ૧૪ દિવસ સુધી વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા આપી રહ્યું છે. ઓમાન સરકારના આ નવા પગલાથી વૈશ્વિક પ્રવાસીઓ માટે મધ્ય પૂર્વની મુલાકાત લેવી વધુ સરળ અને કિસ્ફાયતી બનશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
