News of Wednesday, 5th August 2026
બુલિયન માર્કેટમાં અચાનક મોટો ઉછાળો: માત્ર ૩૩ કલાકમાં ચાંદી ₹૭,૦૦૦ છલાંગ મારી ₹૨.૨૩ લાખને પાર; સોનું પણ ₹૨,૨૮૭ મોંઘુ થયું
MCX અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓમાં ફરી આવી તેજી: અમેરિકા-ઈરાન તણાવ અને સેન્ટ્રલ બેંકોની વ્યાજ દર નીતિઓ વચ્ચે બજારમાં ધમાકેદાર રિકવરી

મુંબઈ: તા.05: સોના-ચાંદીના બજારમાં રોકાણ કરનારાઓ માટે ફરી એકવાર તીવ્ર હલચલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘટાડા બાદ કિંમતી ધાતુઓના ભાવમાં અચાનક મજબૂત રિકવરી જોવા મળી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર માત્ર ૩૩ કલાકના ટૂંકા સમયગાળામાં ચાંદીના ભાવમાં કિલોદીઠ ₹૭,૦૦૦નો જંગી ઉછાળો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ પ્રતિ ૧૦ ગ્રામ ₹૨,૨૮૭નો વધારો થયો છે. સોમવારે રાત્રે સોનું ₹૧,૪૨,૯૦૦ પર બંધ થયું હતું, જે બુધવારે સવારે વધીને ₹૧,૪૫,૧૮૭ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ પહોંચી ગયું હતું. આ જ સમયગાળા દરમિયાન ચાંદી પણ ૧.૦૧% ના સુધારા સાથે પ્રતિ કિલોગ્રામ ₹૨,૨૩,૮૫૦ ના સ્તરે પહોંચી ગઈ છે.
ભારતીય બજારની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ચમક પાછી ફરી રહી છે. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ ૦.૪% વધીને $૪,૦૯૪.૧૧ પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે ચાંદી પણ ૦.૬% વધીને $૫૯.૮૯ પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે. જોકે, આ તેજી છતાં સોનું પોતાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર (All-Time High) ₹૧,૯૩,૦૯૬ થી હજુ પણ આશરે ₹૪૭,૯૦૯ સસ્તું મળી રહ્યું છે, અને ચાંદી પણ તેના ઓલ-ટાઈમ હાઈ ₹૪,૨૦,૦૪૮ થી ₹૧,૯૬,૧૯૮ નીચે ચાલી રહી છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુએસ-ઈરાન સંઘર્ષ બાદ કિંમતી ધાતુઓમાં ૨૦% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
સોના-ચાંદીના ભાવમાં તાજેતરમાં આવેલા આ સુધારા પાછળ વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિબળો મુખ્ય કારણભૂત છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક શિપિંગ પુનઃસ્થાપિત કરવા કતાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરાતા અને યુએસ-ઈરાન વચ્ચે વાટાઘાટોમાં પ્રગતિના સંકેતોથી બજારને થોડી રાહત મળી છે. આ ઉપરાંત, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં અપેક્ષિત વધારામાં નરમાઈના સંકેતો અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ધિરાણ નીતિની જાહેરાતો વચ્ચે રોકાણકારો ફરી કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે. નિષ્ણાતોના મતે વ્યાજ દરોની ભવિષ્યની દિશા જ સોનાના ભાવની આગળની ચાલ નક્કી કરશે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
