હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચંદ્રની સપાટી પર સ્પેસએક્સના રોકેટનો ભયાનક ધમાકો: ૮,૭૦૦ કિમીની ઝડપે અથડાયું ફાલ્કન-૯, ૩ ટન TNT જેટલા ધડાકા સાથે નવો ખાડો સર્જાયાની શક્યતા
૧૯ મહિનાથી અંતરિક્ષમાં ભટકતા ૪,૫૦૦ કિલોના રોકેટ સ્ટેજે આઈન્સ્ટાઈન ક્રેટર પાસે લીધી ટક્કર: સ્પેસ સાયન્સ માટે આ ક્રેશ લેન્ડિંગ બનશે સંશોધનનો મોટો સ્ત્રોત

વોશિંગ્ટન: તા.05: પૃથ્વી અને ચંદ્ર વચ્ચે છેલ્લા ૧૯ મહિનાથી ભટકી રહેલું ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) નું શક્તિશાળી 'ફાલ્કન-૯' રોકેટ આખરે ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૦૫ વાગ્યે ચંદ્રના પ્રસિદ્ધ 'આઈન્સ્ટાઈન ક્રેટર' (Einstein Crater) નજીક આ અથડામણ થઈ હોવાનું માનવામાં આવે છે. આશરે ૪,૫૦૦ કિલોગ્રામ વજન ધરાવતો રોકેટનો ઉપલો ભાગ લગભગ ૮,૭૦૦ કિલોમીટર પ્રતિ કલાકની અત્યંત ભયાનક ઝડપે સપાટી સાથે અથડાયો હતો, જેની પુષ્ટિ કરવા માટે વિશ્વની તમામ સ્પેસ એજન્સીઓ હાલ એલર્ટ પર છે.
આ ચોક્કસ રોકેટ સ્ટેજ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેણે ફાયરફ્લાય એરોસ્પેસના 'બ્લુ ઘોસ્ટ-૧' અને આઇસ્પેસના 'હાકુટો-આર મિશન ૨' લેન્ડર્સને ચંદ્ર તરફ રવાના કર્યા હતા. ઈંધણ ખાલી થઈ ગયા બાદ પૃથ્વી, ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ તેમજ સૌર વિકિરણોના ધક્કાને કારણે આ રોકેટ સ્ટેજ અનિયંત્રિત લૂપમાં ફસાઈ ગયું હતું. ચંદ્ર પર વાતાવરણ કે ઘર્ષણ ન હોવાથી રોકેટ સંપૂર્ણ સ્પીડમાં જઈને આઈન્સ્ટાઈન ક્રેટર પાસે પછડાયું હતું, જેના કારણે ૩ ટન TNT વિસ્ફોટ જેટલી ગંજાવર ઉર્જા ઉત્પન્ન થઈ હતી.
વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આ ચંદ્રાઘાતથી સપાટી પર ૨૦ થી ૩૦ મીટર પહોળો નવો ખાડો (Crater) પડી ગયો હશે અને ૧૦ લાખ કિલોગ્રામથી વધુ માટી તથા ધૂળ આકાશમાં ઊડી હશે. કુદરતી ઉલ્કાપિંડથી વિપરીત, આ રોકેટનું વજન, ગતિ અને આકાર વૈજ્ઞાનિકો પાસે અગાઉથી નોંધાયેલા હોવાથી આ ઘટના સ્પેસ સાયન્સ માટે અભૂતપૂર્વ સંશોધનનો વિષય બની છે. નાસાનું 'લુનર રિકોનિસન્સ ઓર્બિટર', દક્ષિણ કોરિયાનું 'દાનુરી' અને ભારતનું 'ચંદ્રયાન-૨ ઓર્બિટર' આગામી દિવસોમાં આ દુર્લભ ક્રેશના ફોટોગ્રાફ્સ અને નવા બનેલા ખાડાની ચોક્કસ તસવીરો દુનિયા સામે રજૂ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
