News of Wednesday, 5th August 2026
"સંસદીય લોકશાહી પર અમને ઉપદેશ ન આપો... પબ્લિસિટી માટે PIL ના કરો": સંસદની સુરક્ષાની સમીક્ષા કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ
શું સંસદ પોતાનું રક્ષણ કરવા માટે અસમર્થ છે? પબ્લિસિટી સ્ટંટ માટે દાખલ કરાયેલી અરજીને હાઈકોર્ટે ફગાવી, અરજદારને લીધો આડે હાથ

નવી દિલ્હી: તા.05: દેશની સંસદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે અરજદારને ભારે ઠપકો આપ્યો છે. કોર્ટે અત્યંત કડક શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, "શું સંસદ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવામાં અસમર્થ છે? સંસદીય લોકશાહીને તમારા ઉપદેશોની કોઈ જરૂર નથી." આ સાથે જ હાઈકોર્ટે આ અરજીને માત્ર પબ્લિસિટી મેળવવાનું એક સાધન ગણાવીને તુરંત ફગાવી દીધી છે.
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટની મુખ્ય બેન્ચે કેન્દ્ર સરકાર, લોકસભા અને રાજ્યસભા સચિવાલયોને સંસદની સુરક્ષા વ્યવસ્થા અંગે નિર્દેશ આપવાની માંગણી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંસદની સુરક્ષા એ સરકાર અને સંસદીય સચિવાલયની પોતાની પ્રાથમિક જવાબદારી છે અને તેઓ સમયાંતરે તેની યોગ્ય સમીક્ષા કરતા જ રહે છે. જ્યારે અરજદારે સંસદની સુરક્ષાને સર્વોપરી ગણાવી દલીલો શરૂ કરી, ત્યારે કોર્ટે રોકડું સંભળાવતા કહ્યું કે દેશના દરેક સામાન્ય નાગરિકની સલામતી સર્વોપરી છે, પરંતુ લોકો આજકાલ માત્ર પ્રચાર અને હેડલાઈન્સ મેળવવા માટે જ આવી અરજીઓ લઈને કોર્ટમાં પહોંચી જાય છે.
બેન્ચે અરજદારની દલીલોનો વિરોધ કરતા પૂછ્યું કે, "તમને રેલ્વે સ્ટેશનો પર થતી નાસભાગ કે એરપોર્ટ પરની સુરક્ષા સમસ્યાઓ કેમ દેખાતી નથી? રસ્તા પર ચાલતા સામાન્ય રાહદારીઓની સલામતી માટે તમે ક્યારેય ચિંતા વ્યક્ત કરી છે?" કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં કોઈ અસાધારણ પરિસ્થિતિ સર્જાઈ નથી કે જેના કારણે અદાલતે બંધારણીય સંસ્થાઓના વહીવટી અને કારોબારી કાર્યોમાં હસ્તક્ષેપ કરવો પડે. સંસદના વહીવટી, તકનીકી અને સાયબર મિકેનિઝમની સમીક્ષા માટે કોર્ટ નિર્દેશ આપે તેવી માંગને કોર્ટે બિનજરૂરી ગણાવીને અરજીને આકરા વલણ સાથે રદ કરી દીધી હતી.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
