News of Wednesday, 5th August 2026
સીમાંકન અને મહિલા અનામત બિલ માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં: ૧૬ ઓગસ્ટથી સંસદનું ખાસ સત્ર બોલાવાય તેવી પ્રબળ શક્યતા
મહત્વના બિલો પસાર કરાવવા માટે મોદી સરકારની કવાયત: વિપક્ષ સાથે સર્વસંમતિ સાધવા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી સાથે ૫૦ મિનિટ સુધી ગુપ્ત બેઠક કરી

નવી દિલ્હી: તા.05: કેન્દ્ર સરકાર દેશના રાજકારણને મોટી અસર પહોંચાડતા બે અતિ મહત્વના વિધેયકો - સીમાંકન બિલ (Delimitation Bill) અને મહિલા અનામત બિલ (Women's Reservation Bill) ને પસાર કરાવવા માટે આગામી ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ બંને ઐતિહાસિક બિલોને શક્ય તેટલી વહેલી તકે મંજૂરી અપાવવા માંગે છે, પરંતુ વિપક્ષના આકરા વલણને કારણે સંસદના બંને ગૃહમાં મોટો ગજગ્રાહ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે.
વિપક્ષી પક્ષો તરફથી સીમાંકન બિલ અંગે હજુ સુધી લીલીઝંડી મળી નથી, જેને ધ્યાનમાં રાખીને સરકારે વિરોધ પક્ષો સાથે સર્વસંમતિ સાધવાના પ્રયાસો તેજ કરી દીધા છે. આ જ કવાયતના ભાગરૂપે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના કાર્યાલય પહોંચીને તેમની સાથે મુલાકાત કરી હતી. આશરે ૫૦ મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યા હતા. જોકે, કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષી દળોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમની તમામ શંકાઓ અને ચિંતાઓ દૂર થયા બાદ જ તેઓ આ બિલો પર પોતાનું અંતિમ વલણ સ્પષ્ટ કરશે.
બીજી તરફ, હાલ ચાલી રહેલા ચોમાસા સત્રમાં વિપક્ષે બે મોટા મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગતા ભારે હંગામો મચાવ્યો છે. વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન પર પોલીસની કાર્યવાહી અને અયોધ્યા રામ મંદિર નિર્માણ ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિ જેવા વિષયોને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી ખાસદારોએ સંસદ પરિસરમાં વિરોધ માર્ચ પણ કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, સીમાંકન બિલ દેશમાં નવી વસ્તી ગણતરીના આધારે લોકસભા અને વિધાનસભાઓની બેઠકોની સીમાઓ ફરીથી નક્કી કરશે, જ્યારે મહિલા અનામત બિલ હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
