<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

દેશમાં પ્લાસ્ટિકની ચલણી નોટોની એન્ટ્રી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની મોટી જાહેરાત; કાગળની નોટોના જમાનાનો આવશે અંત

આગામી નાણાકીય વર્ષની શરૂઆતથી ચલણમાં આવશે ટકાઉ પોલિમર નોટો: ઓછી કિંમતની ચલણી નોટોની આયુષ્ય વધારવા અને ફાટી જવાની સમસ્યાથી મુક્તિ અપાવવા કેન્દ્રીય બેંકનો નિર્ણય

મુંબઈ: તા.05: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે RBI આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં જ દેશમાં પોલિમર એટલે કે વિશેષ પ્લાસ્ટિકની ચલણી નોટો બહાર પાડવાની તૈયારી કરી રહી છે. આ નવી નોટો એક મજબૂત અને ફ્લેક્સિબલ સિંન્થેટિક પદાર્થમાંથી બનાવવામાં આવશે, જેના પર ખાસ ટેકનોલોજીથી પ્રિન્ટિંગ કરવામાં આવશે. કાગળની પરંપરાગત નોટોની સરખામણીએ આ પ્લાસ્ટિક નોટો અત્યંત ટકાઉ હશે અને પાણી કે ભેજથી જલ્દી ખરાબ થશે નહીં.

નાણાકીય નીતિ (Monetary Policy) ની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, વિશ્વના ઘણા દેશોમાં પોલિમર નોટો છેલ્લા ૩૦ વર્ષથી પણ વધુ સમયથી સફળતાપૂર્વક ચલણમાં છે. ભારતમાં શરૂઆતમાં આ પોલિમર નોટો મુખ્યત્વે નાના મૂલ્યની (ઓછી કિંમત ધરાવતી) ચલણી નોટોની શ્રેણીમાં લાવવામાં આવશે, કારણ કે રોજિંદા વ્યવહારમાં આવી નોટોનો ઉપયોગ સૌથી વધુ થાય છે અને તે ઝડપથી ફાટી કે ઘસાઈ જતી હોય છે. જો તમામ આયોજન નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધશે, તો આગામી નાણાકીય વર્ષની શરૂઆતથી જ આ નોટો સામાન્ય જનતાના હાથમાં પહોંચી જશે.

આ ઉપરાંત, રિઝર્વ બેંકના ગવર્નરે દેશના આર્થિક સૂચકાંકો અંગે વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે મધ્યમ ગાળામાં છૂટક ફુગાવાનો દર (Retail Inflation) ૪ ટકા સુધી જાળવી રાખવો એ કેન્દ્રીય બેંકની મુખ્ય પ્રાથમિકતા રહેશે. તેમણે વિદેશી હૂંડિયામણ પ્રવાસી (બેંક) યોજના હેઠળ દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ મજબૂત રહ્યો હોવાનું પણ ઉમેર્યું હતું. RBI ના આ નિર્ણયથી આવનારા સમયમાં ભારતીય ચલણી નોટોનું આયુષ્ય વધશે અને ફાટેલી કે મિલીયાગીરી થયેલી નોટોની સમસ્યામાંથી દેશવાસીઓને કાયમી મુક્તિ મળશે.

 

(4:53 PM IST)