News of Wednesday, 5th August 2026
કેનેડાના સ્વ-રોજગાર ઇમિગ્રેશન પ્રોગ્રામમાં મોટો ઝટકો: IRCC ના સમીક્ષા અહેવાલમાં સામે આવ્યું કે આ યોજના હવે આર્થિક જરૂરિયાતો માટે યોગ્ય નથી
૧૦ વર્ષથી વધુનો પ્રોસેસિંગ સમય અને ૬૯% જેટલો ઊંચો રિજેક્શન રેટ: કેનેડા સરકારે ટોચની વૈશ્વિક પ્રતિભાઓ આકર્ષવા નવી નીતિઓ ઘડવાની ભલામણ સ્વીકારી

ઓટાવા: તા.05: કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ (IRCC) દ્વારા કરવામાં આવેલા એક વ્યાપક સમીક્ષા અહેવાલમાં દેશના જાણીતા 'સેલ્ફ-એમ્પ્લોયડ પર્સન્સ પ્રોગ્રામ' (Self-Employed Persons Program) અંગે મોટો ખુલાસો થયો છે. અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ હવે કેનેડાની વર્તમાન આર્થિક ઇમિગ્રેશન સિસ્ટમ માટે સુસંગત કે યોગ્ય રહ્યો નથી. અનિશ્ચિત નીતિઓ અને અત્યંત વ્યાપક પાત્રતાના નિયમોને કારણે આ પ્રોગ્રામ હેઠળ અરજીઓનો મોટો બેકલોગ ઊભો થયો છે, જેના કારણે પ્રોસેસિંગ સમયમાં ભારે વિલંબ અને ઇનકાર (Refusal) ના દરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ વચ્ચેના ડેટાના મૂલ્યાંકન મુજબ, આ પ્રોગ્રામ કેનેડાના કુલ આર્થિક ઇમિગ્રેશન પ્રવેશના ૧ ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવે છે. આ સમયગાળા દરમિયાન કલા, સંસ્કૃતિ અને રમતગમત ક્ષેત્રના કુલ ૭,૭૮૫ લોકોને જ કાયમી નિવાસ (PR) મળ્યો છે, જેમાં ચીન (૧/૩ ભાગ), ઈરાન (૧૪%) અને ભારત (૭%) ના નાગરિકો અગ્રેસર હતા. જોકે, આ પ્રોગ્રામ હેઠળ આવેલા નવાગંતુકોની સરેરાશ વાર્ષિક આવક અન્ય આર્થિક ઇમિગ્રન્ટ્સની $૪૬,૪૦૦ ની સરખામણીએ માત્ર $૧૯,૫૦૦ જ રહી હતી. આ સિવાય, મોટાભાગના લોકો કેનેડા પહોંચ્યા પછી સ્વ-રોજગારને બદલે સામાન્ય નોકરીઓ કરવા લાગ્યા હતા, જેથી આ યોજનાનો મૂળ હેતુ સિદ્ધ થતો ન હોવાનું સામે આવ્યું છે.
IRCC ના રિપોર્ટ અનુસાર, નવેમ્બર ૨૦૨૫ સુધીમાં આશરે ૮,૫૦૦ લોકો નિર્ણયોની રાહ જોઈ રહ્યા હતા. જુલાઈ ૨૦૨૨ પછી અરજી કરનારા ઉમેદવારોને અંતિમ નિર્ણય માટે ૧૦ વર્ષથી પણ વધુ સમય રાહ જોવી પડી શકે છે. સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ૨૦૧૪-૨૦૨૪ વચ્ચે સરેરાશ રિજેક્શન રેટ ૬૯% રહ્યો હતો, જે ૨૦૧૫ માં વધીને ૮૧% સુધી પહોંચી ગયો હતો. સરકારે આ બેકલોગ ઘટાડવા માટે એપ્રિલ ૨૦૨૪ થી જ નવી અરજીઓ સ્વીકારવાનું બંધ કર્યું છે, જે ૨૦૨૬ ના અંત સુધી સ્થગિત રહેશે. IRCC એ આ યોજનામાં વ્યાપક સુધારા કરવાની અને વિશ્વસ્તરીય પ્રતિભાઓને આકર્ષવા માટે ૨૦૨૬-૨૭ સુધીમાં નવી નીતિ લાવવાની ભલામણનો સ્વીકાર કર્યો છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
