ભારતમાં રાંધણ ગેસ અને કુદરતી ગેસ થશે મોંઘા: $42 બિલિયનના વ્યૂહાત્મક ફ્યુઅલ રિઝર્વ માટે ગ્રાહકો પર નવો ટેક્સ લાદવાની સરકારની યોજના
ઈરાન યુદ્ધ અને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરવાનો માસ્ટરપ્લાન: ઘરેલું LPG સિલિન્ડર પર રૂ. ૧૮ નો બોજ વધવાની શક્યતા

નવી દિલ્હી: તા.05: ઈરાન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા શૃંખલામાં સર્જાયેલા વિક્ષેપો વચ્ચે ભારતે પોતાની દેશી ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા મોટો નિર્ણય લીધો છે. દેશમાં $42 બિલિયન (અંદાજે રૂ. ૩.૫ લાખ કરોડ) ના ખર્ચે લાંબા ગાળાના વ્યૂહાત્મક બળતણ અનામત (Strategic Fuel Reserve) કાર્યક્રમ માટે ભંડોળ એકઠું કરવા સરકાર રસોઈ ગેસ (LPG) અને કુદરતી ગેસ (Natural Gas) ના ગ્રાહકો પર નવો સેસ કે કર લાદવા અંગે વિચારણા કરી રહી છે. આ યોજના હેઠળ પ્રથમ વખત ક્રૂડ ઓઇલ સિવાય એલપીજી અને એલએનજી માટે પણ વિશાળ કટોકટી ભંડાર બનાવવામાં આવશે.
પ્રસ્તાવિત યોજના મુજબ, સરકાર આ સંગ્રહ માળખાને ધિરાણ આપવા માટે ગ્રાહકો પાસેથી વાર્ષિક આશરે $1.5 બિલિયન એકત્ર કરશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પ્રતિ કિલો LPG પર રૂ. ૧.૨૯ નો વેરો લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે સામાન્ય ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં આશરે રૂ. ૧૮ નો વધારો કરશે. આ સિવાય કુદરતી ગેસ પર પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર રૂ. ૧.૪૩ ની વસૂલાતનો વિચાર છે. આ નિર્ણયથી સામાન્ય ઘરોમાં ગેસ બિલમાં ૨ ટકા જેટલો વધારો થઈ શકે છે. જોકે, આ દરખાસ્ત પર મંત્રીમંડળની અંતિમ મંજૂરી મળવાની હજુ બાકી છે.
વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ ભારત હાલમાં પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૯૦ ટકા જેટલી આયાત કરે છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપમેન્ટ અટકવાના જોખમે ભારતની વિદેશી ઇંધણ પરની અતિ-નિર્ભરતા ખુલ્લી પાડી દીધી છે. હાલમાં ભારત પાસે માત્ર ૧૦ દિવસ કરતાં પણ ઓછા સમયનો કટોકટી કાળનો ક્રૂડ સ્ટોક છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ દેશો પાસે ૧૦૦ દિવસથી વધુનો બફર સ્ટોક હોય છે. આગામી ૧૦ વર્ષમાં ભારત ૨૮ મિલિયન ટન ક્રૂડ ઓઇલ, ૯ મિલિયન ટન LNG અને ૪ મિલિયન ટન LPG ની વધારાની વ્યૂહાત્મક ક્ષમતા ઊભી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
