News of Wednesday, 5th August 2026
આપણા ઘા હજુ રૂઝાયા નથી અને વાયદો અધૂરો રહ્યો: કલમ ૩૭૦ હટાવવાના ૭ વર્ષ પૂરા થતાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે નેશનલ કોન્ફરન્સના વિરોધ પ્રદર્શનો: રોબર્ટ ફ્રોસ્ટની કવિતા ટાંકીને ઓમર અબ્દુલ્લાએ લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

સુરનકોટ: તા.05: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કર્યાના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર સામે આકરો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે આટલા વર્ષો વિત્યા પછી પણ લોકોના મનમાં પડેલા ઘા રૂઝાયા નથી, કારણ કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું પોતાનું વચન હજુ સુધી પૂરું કર્યું નથી. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના નિર્ણયથી ઉભા થયેલા રાજકીય પ્રશ્નો આજે પણ તેમની સરકાર અને નેશનલ કોન્ફરન્સના કાર્યસૂચિના કેન્દ્રમાં છે.
પૂંછ જિલ્લાના સુરનકોટ તાલુકામાં પત્રકારો સાથે વાતચીત કરતાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, "અમને આશા હતી કે રાજ્યનો દરજ્જો પાછો મળવાથી લોકોની પીડા થોડી ઓછી થશે, પરંતુ સાત વર્ષ પછી પણ તે વચન અપૂર્ણ જ રહ્યું છે." સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં તેમણે અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટની જાણીતી પંક્તિઓ "મારી પાસે વચનો રાખવાના છે, અને સૂતા પહેલાં માઇલો ચાલવાનું બાકી છે" ટાંકીને સ્પષ્ટ કર્યું કે તેઓ વર્તમાન પરિસ્થિતિ સાથે સમાધાન કરવા તૈયાર નથી અને પોતાના અધિકારો તથા ઓળખ પાછી મેળવવા માટે લડત ચાલુ રાખશે.
આ દિવસ નિમિત્તે શાસક પક્ષ નેશનલ કોન્ફરન્સ દ્વારા સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. શ્રીનગરમાં પક્ષના મુખ્યાલય 'નવા-એ-સુબા' ખાતે મંત્રી સકીના ઇટુ અને અન્ય ધારાસભ્યોના નેતૃત્વમાં સેંકડો કાર્યકરોએ કલમ ૩૭૦ ના સમર્થનમાં કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેમને આગળ વધતાં રોક્યા હતા. જમ્મુ સહિત વિવિધ જિલ્લા મથકોએ પણ આવાં વિરોધ પ્રદર્શનો યોજીને વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ દોહરાવવામાં આવી હતી.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
