News of Wednesday, 5th August 2026
કલમ ૩૭૦ રદ કર્યાના ૭ વર્ષ પૂરા થતાં ભારત-પાકિસ્તાન વચ્ચે આમને-સામને આકરા પ્રહાર: શેહબાઝ શરીફે યુએન લોકમતની કરી માંગ, તો પીએમ મોદીએ ગણાવ્યો વિકાસનો નવો યુગ
ઇસ્લામાબાદે ભારતના નિર્ણયને 'ગેરકાયદેસર' ગણાવી ઝેર ઓક્યું: શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતાના સ્વપ્નને સાકાર ગણાવતા પ્રધાનમંત્રી

ઇસ્લામાબાદ : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર શબ્દયુદ્ધ ચાલુ થઈ ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે કલમ ૩૭૦ રદ કરવાના ભારતના ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના પગલાને "એકપક્ષીય અને ગેરકાયદેસર" ગણાવીને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ઠરાવો હેઠળ લોકમત (Plebiscite) કરાવવાની પોતાની જૂની માંગણી દોહરાવી છે. સોશિયલ મીડિયા પર ઝેર ઓકતાં શરીફે દાવો કર્યો હતો કે ભારતે આ પ્રદેશમાં લશ્કરી હાજરી વધારી દીધી છે અને ત્યાંના વસ્તી વિષયક માળખાને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ ૩૭૦ અને ૩૫A રદ કર્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તન પર પ્રકાશ ફેંક્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયોથી પ્રદેશમાં શાંતિ, સુશાસન, સશક્તિકરણ અને આર્થિક વિકાસના એક નવા યુગનો પ્રારંભ થયો છે. ભારતીય બંધારણના સંપૂર્ણ અમલીકરણથી મહિલાઓ, દલિતો અને હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોને પોતાના પૂર્ણ અધિકારો મળ્યા છે અને માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય તથા રમતગમત જેવા ક્ષેત્રોમાં પારદર્શી પ્રગતિ થઈ છે.
વડાપ્રધાન મોદીએ આ દિવસને મહાન દેશભક્ત ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ સાથે જોડતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ ૨૦૧૯ માં લેવાયેલા આ નિર્ણયો દ્વારા રાષ્ટ્રીય એકતા અને 'એક દેશ, એક બંધારણ' ના તેમના વિઝનને ખરા અર્થમાં સાકાર કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કલમ ૩૭૦ રદ કરવી એ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
