<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ઉત્તરાખંડમાં સુગંધિત ખેતીની 'મહાક્રાંતિ': ૨૨,૭૫૦ હેક્ટર જમીનમાં થશે ઔષધીય પાકોનું વાવેતર, ૯૧ હજારથી વધુ ખેડૂતોનું નસીબ ચમકશે

પર્વતીય વિસ્તારોમાંથી પલાયન અટકાવવા અને ગ્રામીણ રોજગારી વધારવા ધામી સરકારનો મેગા પ્લાન: અત્તર, મસાલા અને કોસ્મેટિક્સ ઉદ્યોગ માટે તૈયાર થશે વિશેષ ક્લસ્ટર

દેહરાદૂન : ઉત્તરાખંડ સરકારે રાજ્યના કૃષિ-આધારિત અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને પરંપરાગત ખેતી ઉપરાંત ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. 'મહાક્રાંતિ નીતિ' હેઠળ રાજ્યના સાત મહત્વના જિલ્લાઓમાં ૨૨,૭૫૦ હેક્ટર જમીન પર ઉચ્ચ-મૂલ્ય ધરાવતા સુગંધિત અને ઔષધીય પાકોની વ્યાપારી ખેતી શરૂ કરવામાં આવશે. આ પહેલથી રાજ્યના ૯૧,૦૦૦ થી વધુ ખેડૂતોને સીધો લાભ થશે અને પર્વતીય વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી થશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓની આબોહવા અને ભૂગોળને ધ્યાનમાં રાખીને વિશેષ પાક ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ચમોલી અને અલ્મોડામાં અત્તર તથા સૌંદર્ય પ્રસાધનો માટે જાણીતા 'દમાસ્ક ગુલાબ' ની ખેતી થશે, જ્યારે પિથોરાગઢમાં આયુર્વેદિક ગુણો ધરાવતા 'તૈમૂર' (સિચુઆન મરી) નું ઉત્પાદન કરવામાં આવશે. ઉધમ સિંહ નગરને 'મિન્ટ વેલી' માં ફેરવીને ફુદીનાનું મોટા પાયે વાવેતર અને પ્રોસેસિંગ કરાશે. આ ઉપરાંત, ચંપાવત અને નૈનિતાલમાં તજ, તથા દેહરાદૂન, હરિદ્વાર અને પૌરીમાં એરોમાથેરાપી અને દવાઓમાં વપરાતા લેમનગ્રાસના ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે.

સુગંધિત પાકોની વૈશ્વિક અને સ્થાનિક બજારમાં ભારે માંગ હોવાથી તે ખેડૂતોને પરંપરાગત પાકો કરતાં અનેકગણું વધુ વળતર આપશે. સરકાર ફક્ત ખેતી પૂરતી મર્યાદિત ન રહેતા ખેડૂતો માટે સ્થાનિક સ્તરે જ પ્રોસેસિંગ યુનિટ, માર્કેટિંગ લિંકેજ અને વેલ્યુ-એડિશન સુવિધાઓ પણ ઉભી કરશે. આ યોજનાથી પહાડી ગામડાઓમાંથી આજીવિકા માટે થતું સ્થળાંતર (Migration) અટકશે અને યુવાનો પોતાના જ વિસ્તારમાં નફાકારક કૃષિ વ્યવસાય શરૂ કરી શકશે, જેનાથી ઉત્તરાખંડ ભારતમાં એરોમેટિક હબ તરીકે ઉભરી આવશે.

 

(6:28 PM IST)