News of Wednesday, 5th August 2026
એર ઇન્ડિયાના નવા CEO અને MD તરીકે ટેવોલ્ડે ગેબ્રેમેરિયમની નિમણૂક
ઇથોપિયન એરલાઇન્સને આફ્રિકાની નંબર-૧ એરલાઇન બનાવનાર વૈશ્વિક દિગ્ગજ હવે ટાટા ગ્રુપની એર ઇન્ડિયાની કમાન સંભાળશે: કેમ્પબેલ વિલ્સનનું સ્થાન લઈને એરલાઇનને વૈશ્વિક સ્તરે નફાકારક અને વિશ્વસનીય બનાવવાનો મોટો રોડમેપ તૈયાર.

મુંબઈ : એર ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક ઐતિહાસિક નિર્ણય લેતા ઉડ્ડયન ઉદ્યોગના અતિ સફળ અને અનુભવી અધિકારી ટેવોલ્ડે ગેબ્રેમેરિયમને એરલાઇનના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તેઓ કેમ્પબેલ વિલ્સનનું સ્થાન લેશે. ગેબ્રેમેરિયમે ઇથોપિયન એરલાઇન્સ ગ્રુપના સીઈઓ તરીકે દસ વર્ષથી વધુ સમય સુધી સેવા આપીને એક સામાન્ય પ્રાદેશિક એરલાઇનને આફ્રિકાના સૌથી વિશાળ, નફાકારક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આદરણીય એરલાઇન ગ્રુપમાં પરિવર્તિત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન એરલાઇનની આવક ચાર ગણી વધવાની સાથે ફ્લીટ (વિમાનોની સંખ્યા) ત્રણ ગણી વધી ગઈ હતી.
ટાટા ગ્રુપ દ્વારા એર ઇન્ડિયાનું સંપાદન કર્યા બાદ શરૂઆતી તબક્કામાં એરલાઇનનું પ્રારંભિક સુધારણા અને એકત્રીકરણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે એર ઇન્ડિયા ઝડપી વિસ્તરણ, નફાકારક કામગીરી અને વૈશ્વિક નેટવર્ક મજબૂત કરવાના નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી રહી છે. ટાટા સન્સ અને એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું કે ગેબ્રેમેરિયમનો આંતરરાષ્ટ્રીય લાંબા અંતરની ફ્લાઇટ્સના નેટવર્ક વિસ્તરણ, એવિએશન હબ વિકસાવવા અને વિષમ આર્થિક પરિસ્થિતિઓમાં પણ કંપનીને સતત નફામાં રાખવાનો સાબિત થયેલો ટ્રેક રેકોર્ડ એર ઇન્ડિયા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
પોતાની નિમણૂક અંગે વાત કરતા નવા સીઈઓ ટેવોલ્ડે ગેબ્રેમેરિયમે જણાવ્યું હતું કે, "એર ઇન્ડિયાના આટલા સમૃદ્ધ ઇતિહાસ અને નિર્ણાયક વળાંક પર તેનું નેતૃત્વ કરવાની તક મળવી એ મારા માટે ભારે સન્માનની વાત છે. ભારતની સતત વધતી આર્થિક શક્તિને વૈશ્વિક આકાશમાં પ્રતિબિંબિત કરતી એક વિશ્વસ્તરીય એરલાઇન બનાવવી એ અત્યંત રોમાંચક પડકાર છે." તેમણે ભારતીય આતિથ્ય સત્કાર, ઓપરેશનલ સમયપાલન અને ગુણવત્તાસભર સેવાઓ દ્વારા એર ઇન્ડિયાને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સમાં સ્થાન અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
