News of Wednesday, 5th August 2026
રેલ્વેનો મોટો નિર્ણય: RAC ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને હવે મળશે અલગ બેડરોલ કીટ: શેરિંગની ઝંઝટ ખતમ
એસી કોચમાં અડધી સીટ હોવા છતાં મુસાફરોને સંપૂર્ણ સુવિધાઓ આપવા માટે રેલ્વે બોર્ડે તાત્કાલિક અસરથી આદેશ જારી કર્યો: ગ્રાહક અદાલતના દંડ અને સતત મળતી ફરિયાદો બાદ નિયમોમાં કરવામાં આવ્યો ઐતિહાસિક સુધારો

નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ RAC ટિકિટ પર મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે એક રાહતરૂપ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ, એસી કોચમાં RAC ટિકિટ ધરાવતા દરેક મુસાફરને હવેથી પોતાની અલગ અને તાજી બેડરોલ કીટ આપવામાં આવશે. અત્યાર સુધી એક જ સીટ પર મુસાફરી કરતા બે અજાણ્યા મુસાફરોને એક જ બેડરોલ કીટ શેર કરવી પડતી હતી, જેના કારણે ભારે અગવડતા ઊભી થતી હતી. રેલ્વે મંત્રાલયે તમામ ઝોનલ રેલ્વેને આ આદેશનું તાત્કાલિક અને કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ નિર્ણય પાછળ સોશિયલ મીડિયા પર વધી રહેલી ફરિયાદો અને તાજેતરમાં ગ્રાહક અદાલત દ્વારા લેવાયેલું કડક વલણ જવાબદાર છે. વર્ષ ૨૦૨૨ના એક કેસમાં RAC ટિકિટ પર ધાબળો શેર કરવા મજબૂર બનેલા મુસાફરની અરજી પર કન્ઝ્યુમર કોર્ટે રેલ્વે પર ₹૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. પૂરેપૂરું ભાડું ચૂકવ્યા પછી પણ યોગ્ય સુવિધા ન મળવાની વ્યાપક ફરિયાદોને ધ્યાને રાખીને રેલ્વે બોર્ડે ૪ ઓગસ્ટના રોજ પરિપત્ર જારી કરીને નિયમો બદલવાની જાહેરાત કરી છે.
નવા આદેશ અમલમાં આવ્યા બાદ, જો તમારી ટિકિટ કન્ફર્મ ન થાય અને RAC માં રહે, તો પણ તમારે બેડરોલ માટે અન્ય મુસાફર પર નિર્ભર રહેવું નહીં પડે. દરેક RAC મુસાફરને કન્ફર્મ પેસેન્જરની જેમ જ ૧ કમ્ફર્ટર (ધાબળો), ૨ ચાદર, ૧ ઓશીકું અને ૧ ટુવાલ ધરાવતી સંપૂર્ણ બેડરોલ કીટ આપવામાં આવશે. મુસાફરી દરમિયાન જો કોચ એટેન્ડન્ટ અલગ કીટ આપવાનો ઇનકાર કરે, તો મુસાફરો રેલ મદદ એપ અથવા ૧૩૯ નંબર પર તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
