<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ગૂગલ આસિસ્ટન્ટ કાયમ માટે અલવિદા કહેશે : હવે "હે ગૂગલ" બોલતા જ કામ કરશે પાવરફુલ જેમિની AI

છેલ્લા દાયકાથી સ્માર્ટફોન અને સ્માર્ટવોચ પર રાજ કરનાર ગૂગલ આસિસ્ટન્ટને તબક્કાવાર રીતે નિવૃત્ત કરવાનો સત્તાવાર નિર્ણય : ૪ સપ્ટેમ્બરથી એન્ડ્રોઇડ યુઝર્સ માટે ડિફૉલ્ટ આસિસ્ટન્ટ તરીકે 'જેમિની' સ્થાન લેશે : જૂના વર્ઝન પર પાછા ફરવાનો વિકલ્પ પણ બંધ થશે.

નવી દિલ્હી :  સ્માર્ટફોન અને વોઇસ કમાન્ડની દુનિયામાં એક આખો યુગ બદલાવા જઈ રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષથી આપણી દિનચર્યાનો હિસ્સો બનેલું અને "હે ગૂગલ" કમાન્ડ પર કામ કરતું 'ગૂગલ આસિસ્ટન્ટ' હવે કાયમ માટે બંધ થઈ રહ્યું છે. ગૂગલે તેના કરોડો એન્ડ્રોઇડ યુઝર્સને સત્તાવાર ઈમેઈલ મોકલીને જાણ કરી છે કે ૪ સપ્ટેમ્બરથી સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને વેરેબલ ડિવાઈસમાંથી આસિસ્ટન્ટ નિવૃત્ત થઈ જશે. એલાર્મ સેટ કરવા, કૉલ કરવા કે ટાઈમર મૂકવા જેવા તમામ રોજિંદા કામો માટે હવે ગૂગલનું અદ્યતન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ 'જેમિની AI' તેનું સ્થાન લઈ લેશે.

વર્ષ ૨૦૧૬માં લોન્ચ થયેલું ગૂગલ આસિસ્ટન્ટ ડિજિટલ રિવોલ્યુશનનું પ્રતીક બન્યું હતું. ગૂગલે શરૂઆતમાં તેને ૨૦૨૫ના અંત સુધીમાં તબક્કાવાર હટાવવાનું આયોજન કર્યું હતું, પરંતુ નવીનતમ એઆઈ ટેકનોલોજીના ઝડપી વિકાસને કારણે હવે તેને ૪ સપ્ટેમ્બરથી જ અમલી બનાવવામાં આવી રહ્યું છે. ગૂગલના જણાવ્યા મુજબ, આ બદલાવ વિશ્વભરમાં એકસાથે નહીં પરંતુ ઉપકરણ, દેશ અને ભાષાના આધારે તબક્કાવાર રીતે લાગુ થશે. એકવાર તમારા ફોનમાં આ નવું અપડેટ આવી જશે, તે પછી તમને જૂના ગૂગલ આસિસ્ટન્ટ પર પાછા સ્વિચ કરવાનો કોઈ જ વિકલ્પ મળશે નહીં.

આ ટેકનોલોજીકલ ફેરફાર માત્ર સ્માર્ટફોન પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેની અસર ડિજિટલ ઇકોસિસ્ટમ પર જોવા મળશે. જો તમારા ફોનમાં જેમિની ઇન્સ્ટોલ હશે તો તે આપમેળે તમારી Wear OS સ્માર્ટવોચ અને કનેક્ટેડ ઈયરબડ્સ પર પણ પ્રાથમિક વોઈસ આસિસ્ટન્ટ બની જશે. યુઝર્સ પાવર બટન લોંગ-પ્રેસ કરીને અથવા "હે ગૂગલ" કહીને સીધા જેમિની AI સાથે વધુ સ્માર્ટ અને જટિલ સંવાદો કરી શકશે. ટૂંક સમયમાં ગૂગલ ટીવી અને ગૂગલ હોમ સ્માર્ટ સ્પીકર્સ પર પણ આ નવો AI અવતાર જોવા મળશે.

(6:56 PM IST)