News of Wednesday, 5th August 2026
સાયબર જાસૂસીના ડરથી પાકિસ્તાની સેનાનો મોટો નિર્ણય: વોટ્સએપ પર પ્રતિબંધ : હવે ચીનના WeChat નો ઉપયોગ કરવાનો આદેશ
મુનીરના નેતૃત્વ હેઠળ રાવલપિંડી હેડક્વાર્ટરથી તમામ સૈન્ય અધિકારીઓ અને જવાનોને વીચેટ પર શિફ્ટ થવાનો આંતરિક આદેશ : અમેરિકી એપ્સ દ્વારા ડેટા લીક અને ડિજિટલ જાસૂસીના ભય વચ્ચે પાકિસ્તાન-ચીન વચ્ચે ડિજિટલ સૈન્ય સંકલન મજબૂત કરવાનો પ્રયાસ

ઇસ્લામાબાદ : દક્ષિણ એશિયાના રાજકારણ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં એક મોટો ધમાકો થયો છે. પાકિસ્તાની આર્મીના ચિફ જનરલ અસીમ મુનીરના નેતૃત્વ હેઠળ રાવલપિંડી સ્થિત સૈન્ય મુખ્ય મથક દ્વારા તમામ અધિકારીઓ, જવાનો અને વહીવટી સ્ટાફને સત્તાવાર અને ઓપરેશનલ વાર્તાલાપ માટે વોટ્સએપ નો ઉપયોગ તબક્કાવાર રીતે બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અમેરિકી કંપની મેટાની માલિકી ધરાવતી આ એપ દ્વારા સૈન્ય સંકેતો, ગોપનીય ડેટા લીક થવા અને પશ્ચિમી એજન્સીઓ દ્વારા સાયબર જાસૂસી થવાના ભયથી આ આકરો નિર્ણય લેવાયો છે. હવે પાકિસ્તાની સેના પોતાની તમામ ગોપનીય ડિજિટલ આપ-લે ચીનના મેસેજિંગ પ્લેટફોર્મ વીચેટ (WeChat) પર સ્થાનાંતરિત કરી રહી છે.
સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, વોટ્સએપથી વીચેટ તરફની આ હિજરત માત્ર એક એપ્લિકેશન બદલવા પૂરતી સીમિત નથી, પરંતુ તે પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ઊંડા વ્યૂહાત્મક અને સાયબર સંબંધોનું ઉદાહરણ છે. પાકિસ્તાની સેના માત્ર ચીની ફાઇટર જેટ્સ કે શસ્ત્રો પર જ નિર્ભર નથી રહી, પરંતુ હવે બંને દેશોના આર્મ્સ ફોર્સિસ વચ્ચે કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ અને ઇન્ટેલિજન્સ શૅરિંગ માટે એક જ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે વીચેટ પર ચીનની સરકાર અને એજન્સીઓનું સંપૂર્ણ નિયંત્રણ હોવાથી, પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે એક જોખમ છોડીને બીજા જોખમને આમંત્રણ આપી રહ્યું છે.
બીજી તરફ, આ ઘટનાક્રમે ભારતની આકરી સાયબર સુરક્ષા નીતિ અને પાકિસ્તાનની દ્વિવિધા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી દીધો છે. ભારતે વર્ષ ૨૦૨૦માં જ રાષ્ટ્રીય સુરક્ષા, ડેટા ચોરી અને સાર્વભૌમત્વના જોખમને ટાંકીને વીચેટ સહિત ૫૯ ચીની એપ્સ પર કાયમી પ્રતિબંધ મૂકી દીધો હતો. વધુમાં, પાકિસ્તાન સરકારે બલૂચિસ્તાન, પીઓકે (PoK) અને ખૈબર પખ્તુનખ્વા જેવા વિસ્તારોમાં સ્થાનિક વિરોધ અને અશાંતિ કવર કરવા આવતા વિદેશી પત્રકારો માટે એનઓસી ના નિયમો અત્યંત કડક બનાવી દીધા છે. પાકિસ્તાનનું આ પગલું દર્શાવે છે કે આંતરિક ક્ષોભ અને માહિતી લીક થવાના ડરથી સેના ડિજિટલ અને પત્રકારત્વ બંને ક્ષેત્રે આકરા નિયંત્રણો લાદી રહી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
