<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

PoJK માં પાકિસ્તાની સેનાના દમન સામે અલ્તાફ હુસૈનનો આક્રોશ: પ્રદર્શનકારીઓ પર ગોળીબારમાં ૧૦૦ થી વધુ કાશ્મીરીઓના મોતનો ગંભીર આરોપ

‘બનાવટી ચૂંટણીઓ’ અને મીડિયા બ્લેકઆઉટ વચ્ચે પાકિસ્તાની શાસકો પર પ્રહાર: એમક્યુએમ સ્થાપકે વિદેશી કાશ્મીરીઓના ઘરો પર લશ્કરી કબ્જાનો કર્યો ખુલાસો

લંડન : મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) ના સ્થાપક અલ્તાફ હુસૈને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં પોતાની હક્ક-અધિકારોની લડાઈ લડી રહેલા નાગરિકોના સમર્થનમાં આવીને પાકિસ્તાની સત્તાધીશો અને સેના સામે મોરચો ખોલ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જારી કરેલા આકરા નિવેદનમાં હુસૈને આરોપ લગાવ્યો છે કે પોતાના મૂળભૂત માનવાધિકારો માટે રસ્તા પર ઉતરેલા શાંતિપ્રિય યુવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર પાકિસ્તાની દળો દ્વારા અત્યંત ક્રૂર અને હિંસક દમન ગુજારવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે સેના અને સુરક્ષા દળોના ગોળીબારમાં અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ કાશ્મીરી નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

હુસૈનના જણાવ્યા અનુસાર, રાવલકોટ, મીરપુર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત સ્નાઈપર્સ, પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સ (FC) દ્વારા પ્રદર્શનકારીઓ પર સીધું ફાઇટીંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે કે સુરક્ષાદળો દ્વારા મૃતકોના શબ તેમના શોકગ્રસ્ત પરિવારોને સોંપવામાં આવી રહ્યા નથી અને તમામ સરકારી હોસ્પિટલો પર સેનાએ કબ્જો જમાવી દીધો છે. આ ઉપરાંત, હિંસામાં ઘવાયેલા સો સેંકડો લોકો ગુમ છે. પ્રદેશમાં ચાલતી ચૂંટણી પ્રક્રિયાને તેમણે સંપૂર્ણપણે "બનાવટી અને છેતરપિંડી" ગણાવી હતી અને ઉમેર્યું હતું કે જનતાએ આ ચૂંટણીનો બહિષ્કાર કરતાં મોટાભાગના મતદાન મથકો ખાલીખમ પડ્યા છે.

પાકિસ્તાન સરકાર પર મીડિયા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકીને ‘સ્ટેટ ટેરરિઝમ’ ચલાવવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું કે, સાચી પરિસ્થિતિનું રિપોર્ટિંગ કરતા પત્રકારોને જેલમાં ધકેલી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, વિદેશમાં વસતા કાશ્મીરીઓ જે નાણાં મોકલે છે તેમના ઘરો પર પાકિસ્તાની સેનાએ ગેરકાયદે કબ્જો કરીને તેને લશ્કરી ચોકીઓમાં ફેરવી દીધા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) જેવા મુખ્ય રાજકીય પક્ષોની ટીકા કરતા તેમણે ઉમેર્યું કે, પોતાના હક્કો માગતા કાશ્મીરીઓને દેશદ્રોહી અને વિદેશી એજન્ટ ગણાવીને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. તેમણે કાશ્મીરી યુવાનોને હિંમત ન હારવા અને પોતાના ન્યાયી હક્કો માટે સંઘર્ષ ચાલુ રાખવા આહ્વાન કર્યું હતું.

 

(7:32 PM IST)