News of Wednesday, 5th August 2026
દક્ષિણ આફ્રિકાની રેડ ટી ‘રૂઇબોસ’નો વૈશ્વિક દબદબો: કઠોર હવામાન અને આબોહવાના પડકારો વચ્ચે વિશ્વભરમાં ચા પ્રેમીઓની બની પહેલી પસંદ
કેફીન-મુક્ત અને ઔષધીય ગુણોથી ભરપૂર રૂઇબોસની નિકાસ ૧૦,૦૦૦ ટન વટાવી: જાપાન અને યુરોપના બજારોમાં માંગમાં મોટો ઉછાળો

કેપ ટાઉન : દક્ષિણ આફ્રિકાના કઠોર અને શુષ્ક સેડરબર્ગ પર્વતોમાં કુદરતી રીતે ઉગતી રેડ ટી ‘રૂઇબોસ’ (Rooibos) એ આજે વૈશ્વિક પીણાં ઉદ્યોગમાં પોતાની અનોખી છાપ ઊભી કરી છે. આફ્રિકન્સ ભાષામાં જેનો અર્થ "લાલ ઝાડવું" થાય છે, તે આ ખાસ છોડ કેપ ટાઉનથી ૧૫૫ માઈલ ઉત્તરે આવેલા માત્ર ૬૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં જ ઉગે છે. વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ વચ્ચે વૈશ્વિક સ્તરે રૂઇબોસ ચાના વપરાશમાં ૧૨.૫ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ૨૦૨૫ માં તેની વાર્ષિક નિકાસ ઇતિહાસમાં પહેલી વાર ૧૦,૦૦૦ ટનના આંકડાને વટાવી ગઈ છે.
રૂઇબોસની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ તેના અદભુત આરોગ્યપ્રદ ગુણો છે. તે સંપૂર્ણપણે કેફીન-મુક્ત હોવાની સાથે તેમાં ઉચ્ચ માત્રામાં એન્ટીઑકિસડન્ટો અને પોલિફેનોલ્સ રહેલા છે, જે હૃદય રોગ અને કેન્સર જેવા જોખમોને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી રૂઇબોસ પ્રોસેસિંગ કંપની 'રૂઇબોસ લિમિટેડ' દર વર્ષે ૫૦ થી વધુ દેશોમાં ૨૪.૧૭ મિલિયન ડોલર મૂલ્યની આ ચા નિકાસ કરે છે. ટ્વીનિંગ્સ અને ટેટલી જેવી વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ્સ પણ આ ચાનો ઉપયોગ કરે છે. જર્મની બાદ હવે જાપાન તેનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ગ્રાહક બન્યો છે, જ્યાં સ્કિનકેર પ્રોડક્ટ્સમાં પણ તેનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે.
વર્ષ ૨૦૨૧ માં રૂઇબોસને યુરોપિયન યુનિયન (EU) તરફથી 'પ્રોટેક્ટેડ ડેઝિગ્નેશન ઓફ ઓરિજિન' (PDO) નો દરજ્જો મળ્યો હતો, જેનાથી આ વિશેષ ભૌગોલિક ઓળખ ધરાવતું તે પ્રથમ આફ્રિકન ઉત્પાદન બન્યું હતું. જોકે, આ ક્ષેત્ર અત્યારે આબોહવા પરિવર્તન, અનિયમિત વરસાદ અને વૈશ્વિક ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જેવા મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. આમ છતાં, પોતાની અનુકૂલન ક્ષમતા અને અનોખા સ્વાદના જોરે રૂઇબોસ ચા આજે વૈશ્વિક બજારમાં સફળતાના નવા શિખરો સર કરી રહી છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
