<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

"શુ માત્ર સંસદની જ સુરક્ષા મહત્વની છે?" : વકીલની PIL પર દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ : અરજી ફગાવી આકરા સવાલો પૂછ્યા

સંસદ ભવનની સુરક્ષાની વ્યાપક સમીક્ષા અને ખાસ નિર્દેશો જારી કરવાની માંગ કરતી અરજીને હાઈકોર્ટે 'પબ્લિસિટી સ્ટંટ' ગણાવી ફગાવી દીધી: ચિફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે દેશમાં દરેક સામાન્ય નાગરિકની સુરક્ષા એટલી જ મહત્વપૂર્ણ

નવી દિલ્હી :  દિલ્હી હાઈકોર્ટે સંસદ ભવનની સુરક્ષાની વ્યાપક સમીક્ષા કરવા અને ખાસ સુરક્ષા નિર્દેશો જારી કરવાની માંગ કરતી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (PIL) ને આકરા શબ્દોમાં ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે સંસદની સુરક્ષા કેવી રીતે સંભાળવી તે સરકાર અને સુરક્ષા એજન્સીઓનો ક્ષેત્રાધિકાર છે, જેમાં ન્યાયિક હસ્તક્ષેપની કોઈ જરૂર નથી. અદાલતે અરજદાર વકીલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આજકાલ માત્ર પબ્લિસિટી મેળવવા માટે જ આવી અરજીઓ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે.

સુનાવણી દરમિયાન જ્યારે અરજદાર એડવોકેટ રાજ સિંહે દલીલ કરી કે લોકશાહીમાં સંસદની સુરક્ષા સર્વોપરી છે, ત્યારે ચીફ જસ્ટિસે અત્યંત કડક વલણ અપનાવતા પૂછ્યું, "અદાલતને સંસદીય લોકશાહી પર ભાષણ આપવાની જરૂર નથી. માત્ર સંસદ જ શા માટે તમારી ચિંતાનો વિષય છે? શું રેલ્વે સ્ટેશનો પર થતી નાસભાગ, એરપોર્ટ પર સુરક્ષા ક્ષતિઓ કે રસ્તા પર જતા આમ આદમીની સલામતી મહત્વની નથી?" અદાલતે કહ્યું કે દેશના દરેક સામાન્ય નાગરિકની સુરક્ષા એટલી જ કિંમતી છે અને કોર્ટ કોઈ ચોક્કસ ઇમારત માટે કાયદાકીય સમીક્ષાના આદેશ આપી શકે નહીં.

અરજીમાં ૨૦૦૧નો આતંકવાદી હુમલો, ૨૦૨૩માં લોકસભામાં દર્શક ગેલેરીમાંથી કૂદી પડવાની ઘટના ઉપરાંત ડ્રોન ટેકનોલોજી, સાયબર ઘૂસણખોરી અને AI આધારિત જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોકરોચ જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સંસદ તરફ માર્ચ કરવાના પ્રયાસોને પણ ટાંકવામાં આવ્યા હતા. જોકે, ખંડપીઠે આ તમામ દલીલોને નકારી કાઢતા કહ્યું કે સુરક્ષા એજન્સીઓ સંસદને સુરક્ષિત રાખવા માટે પૂરી રીતે સક્ષમ છે અને આવી અરજીઓથી અદાલતનો કિંમતી સમય બગાડવો જોઈએ નહીં.

(8:20 PM IST)