News of Wednesday, 5th August 2026
મદરેસા વિવાદ પર અસદુદ્દીન ઓવૈસીનો પલટવાર: યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય પર સાધ્યું નિશાન, કહ્યું- ‘તમારી ખુરશી માત્ર એક સ્ટૂલ છે’
મદરેસાઓએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી: ઓવૈસીએ કહ્યું, ‘સ્વતંત્ર ભારતનો પહેલો આતંકવાદી ગોડસે કોઈ મદરેસાનો વિદ્યાર્થી નહોતો’

નવી દિલ્હી : એઆઈએમઆઈએમ (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓ પર ટીકા કરનારા રાજકીય નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા મદરેસાઓ અંગે કરવામાં આવેલા વિવાદિત નિવેદનનો કડક જવાબ આપતા ઓવૈસીએ મદરેસાઓની ઐતિહાસિક અને બંધારણીય માન્યતાનો બચાવ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે મદરેસાઓનો ઇતિહાસ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશના સંસ્કૃતિક વારસા સાથે ઊંડેથી જોડાયેલો છે.
કેશવ પ્રસાદ મૌર્ય પર પ્રહાર કરતા ઓવૈસીએ લખ્યું, "કેશવ મૌર્ય માત્ર મદરેસાઓ પર હુમલો કરી શકે છે કારણ કે તેમની પાસે વાસ્તવિક સત્તા નથી અને તેમની ખુરશી હકીકતમાં માત્ર એક સ્ટૂલ છે. જે લોકોને અંગ્રેજો પ્રત્યે પ્રેમ હતો તેઓ મદરેસાઓને ક્યારેય પસંદ ન કરી શકે, કારણ કે અંગ્રેજો સામેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મદરેસાઓ મુખ્ય કેન્દ્રો રહ્યા હતા. ત્યાંથી અસંખ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થયા હતા, જ્યારે સાવરકર બ્રિટિશરોને દયા અરજીઓ લખી રહ્યા હતા." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પ્રખ્યાત લેખક મુનશી પ્રેમચંદ અને રાજા રામ મોહન રોય જેવી મહાન હસ્તીઓએ પણ તેમના પ્રારંભિક જીવનમાં મદરેસા કે મક્તબમાં શિક્ષણ મેળવ્યું હતું.
અગાઉ યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મદરેસા શિક્ષણને વૈશ્વિક આતંકવાદ સાથે જોડતું નિવેદન આપતાં કહ્યું હતું કે મોટાભાગના આતંકવાદીઓ મદરેસા શિક્ષણનું પરિણામ છે. આ નિવેદનના જવાબમાં ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સ્વતંત્ર ભારતનો પહેલો આતંકવાદી નાથુરામ ગોડસે કોઈ તાલિબ-એ-ઇલ્મ (મદરેસાનો વિદ્યાર્થી) નહોતો. બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ આવી ઝેરી ભાષાનો ઉપયોગ કરે તે અત્યંત શરમજનક છે." તેમણે બંધારણની કલમ ૩૦ નો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું કે દરેક લઘુમતી સમુદાયને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો સંપૂર્ણ અધિકાર છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
