News of Wednesday, 5th August 2026
રોજગાર ક્ષેત્રે ભારતની મોટી ક્રાંતિ: નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર ૬.૬૪ કરોડથી વધુ યુવાનો નોંધાયા, ૧૦ કરોડથી વધુ નોકરીઓ ઉપલબ્ધ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની લોકસભામાં જાહેરાત: AI ટેકનોલોજી અને ૪૦ થી વધુ અગ્રણી ખાનગી કંપનીઓ સાથે ભાગીદારીથી યુવાનોને મળશે રોજગારી

નવી દિલ્હી : ભારતમાં યુવાનો માટે રોજગારીની તકો અને કારકિર્દી માર્ગદર્શન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રોજગાર સેવાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવીને ‘નેશનલ કેરિયર સર્વિસ’ (NCS) પોર્ટલમાં રૂપાંતરિત કરી છે. લોકસભામાં એક લેખિત જવાબ દરમિયાન કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે આ પોર્ટલ શુરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૬.૬૪ કરોડથી વધુ નોકરી શોધનારા યુવાનોએ નોંધણી કરાવી છે, જેમાંથી ૨.૮૯ કરોડ યુવાનો હાલ સક્રિય રીતે નોકરીની શોધમાં છે. આ સાથે જ પોર્ટલ પર અત્યાર સુધી ૧૦.૦૫ કરોડથી વધુ ખાલી જગ્યાઓ લિસ્ટેડ કરવામાં આવી છે.
મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે NCS પોર્ટલ (www.ncs.gov.in) ને હવે ક્લાઉડ-આધારિત આધુનિક સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર AI સ્કિલ ગેપ એનાલિસિસ, બુદ્ધિશાળી જોબ મેચિંગ, AI ઇન્ટરવ્યુ કોચ અને 'ભાષિણી' મોડ્યુલ દ્વારા બહુભાષી સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા માટે સરકારે Swiggy, Zomato, Amazon, TCS iON, Quikr, અને FoundIt જેવી ૪૦ થી વધુ અગ્રણી ખાનગી કંપનીઓ તથા પ્લેટફોર્મ્સ સાથે સમજૂતી કરારો (MoUs) કર્યા છે.
ઉપરાંત, આ પોર્ટલને ઉદ્યમ, ઇ-શ્રમ, કૌશલ્ય ભારત ડિજિટલ હબ, EPFO, અને ડિજીલોકર જેવા સરકારી પોર્ટલ્સ તેમજ UPSC, SSC અને રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ સાથે સાંકળવામાં આવ્યું છે. દેશભરના રોજગાર વિનિમય કેન્દ્રોને કાયાકલ્પ કરીને અત્યાર સુધીમાં ૪૦૭ ‘મોડેલ કેરિયર સેન્ટર્સ’ (MCC) ને મંજૂરી આપવામાં આવી છે, જ્યાં યુવાનોને ઓનલાઇન અને ઓફલાઇન જોબ મેળા, કારકિર્દી કાઉન્સેલિંગ અને તાલીમ જેવી સુવિધાઓ એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
