News of Wednesday, 5th August 2026
ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિને લીધે અવસાન પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુએ અર્પણ કરી સહાય
આપત્તિમાં સપડાયેલા પરિવારોને સાંત્વના પાઠવવા માટે વિશેષ આર્થિક સહાય મોકલાઇ : શોકગ્રસ્ત પરિવારજનોને મદદરૂપ બનવા માટે લેવાયેલા આ સંવેદનશીલ પગલા

છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિવૃષ્ટિ અને કુદરતી આફતોના કારણે ભારે તારાજી સર્જાઈ રહી છે. અગાઉ પૂજ્ય મોરારિબાપુ દ્વારા આસામ, જમ્મુ-કાશ્મીર અને સિક્કીમમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી હતી. આ સેવાયજ્ઞને આગળ વધારતા તાજેતરમાં ગુજરાત અને કેરળમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં સહાયનો હાથ લંબાવવામાં આવ્યો છે.
ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક વાતાવરણ અને ભારે વરસાદના કારણે નવસારી સહિતના વિવિધ જિલ્લાઓમાં 5 લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુઃખદ ઘટનાને પગલે પૂજ્ય બાપુએ 'હનુમંત સંવેદના' રૂપે મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ રૂપિયા પંદર હજાર લેખે કુલ રૂપિયા 75,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સહાય નવસારી તેમજ અન્ય સ્થળોએ રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી છે.
બીજી તરફ, કેરળ રાજ્યમાં પણ અતિવૃષ્ટિ અને પૂરના પ્રકોપને લીધે ૧૫ લોકોનાં મોત નિપજયા છે અને કેટલાક લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે. આ તમામ હતભાગી લોકોનાં પરિવારજનોને ઊંડી સાંત્વના પાઠવીને પૂજ્ય બાપુએ કેરળ રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં કુલ રૂપિયા 2,25,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કેરળના પૂરપીડિતો માટેની આ સહાય મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સત્તાવાર રીતે પહોંચાડવામાં આવી છે. આપત્તિના આ સમયે આધ્યાત્મિક સંત દ્વારા દર્શાવાયેલી આ માનવતાવાદી સંવેદના અને સેવાકીય અભિગમથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને હૂંફ મળી રહી છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
