News of Thursday, 6th August 2026
માનવતા મરી પરવારી! વૃદ્ધાશ્રમમાં પ્રખ્યાત વેપારીનું અવસાન, ૩ દીકરીઓ જોવા પણ ન આવી, કહ્યું - ‘અસ્થિ પણ તમે જ વહાવી દેજો'
હરિયાણાના સોનીપતમાં એક પિતાએ દીકરીઓને મળવાની ઈચ્છામાં જીવ ગુમાવ્યોઃ બાદમાં દીકરીઓએ અંતિમ સંસ્કારમાં આવવાની પણ ના પાડી

સોનીપત,તા.૬: સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? આ પ્રશ્ન આજના સમયમાં સૌથી મહત્વનો છે. કારણ કે જ્યારે બાળકો પાસે પોતાના માતા-પિતાના અંતિમ દર્શન કરવા માટે પણ સમય નથી હોતો ત્યારે આવા જ સવાલો ઉભા થાય છે. હરિયાણાના સોનીપતથી સંબંધોની સચ્ચાઈને ઉજાગર કરતો આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે વાંચીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. અહીં, એક પિતાએ પોતાની દીકરીઓને મળવાની ઈચ્છામાં પોતાનો જીવ ગુમાવી દીધો, પરંતુ દીકરીઓ પાસે પિતાના અંતિમ દર્શન માટે પણ સમય નહોતો.
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના મોટા કાપડ વેપારી લગભગ દોઢ વર્ષ પહેલા પોતાની પત્ની મીના ગુપ્તા સાથે સોનીપતના વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. તેમને કોઈ દીકરો નહોતો. તેમણે પોતાની ત્રણ દીકરીઓને ભણાવી-ગણાવીને સફળ બનાવી, જેમાંથી બેને તેમણે શિક્ષિકા બનાવી. તેમની પત્ની મીના ગુપ્તાનું પહેલા જ નિધન થઈ ચૂક્યું હતું. પછી તેઓ વૃદ્ધાશ્રમમાં એકલા રહેતા અને છેલ્લે સુધી દીકરીઓને મળવા માગતા હતા. જોકે, મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કારમાં પણ તેમનું કોઈ પોતાનું પહોંચ્યું નહીં.
વૃદ્ધાશ્રમના સંચાલક આનંદે ૨૦ દિવસ પહેલા શિવચરણ રતન ગુપ્તાની બીમારીની સૂચના તેમની દીકરીઓ, અનિતા, નિશા અને પ્રિયાને આપી હતી. પરંતુ ત્રણેય દીકરીઓએ બહાના બનાવ્યા અને શિવચરણ ગુપ્તા પાસે પહોંચી નહીં. વૃદ્ધાશ્રમ સંચાલક આનંદે જણાવ્યું કે, દીકરીઓ સાથે વાત કરવા માટે શિવચરણ ગુપ્તા એક ફોન રાખતા હતા અને તેમની સાથે વાત કરતા હતા, પરંતુ બીમાર થયા બાદ તેમની દીકરીઓના ફોન આવવાના બંધ થઈ ગયા હતા અને જ્યારે અમે તેમને જાણ કરી, ત્યારે પણ તેઓ પહોંચી નહીં. મોડી રાત્રે તેમનું મૃત્યુ થયા બાદ પણ અમે કહ્યું કે, જો તમે આવી રહ્યા હોવ તો અમે બધાને રોકાવી દઈએ છીએ, પરંતુ તેમણે સમય ન હોવાનું બહાનું બનાવ્યું હતું.
આનંદના જણાવ્યા મુજબ, એક પિતા પ્રત્યે તેમના સંતાનોની આવી ઉદાસિનતા અમે આજ સુધી જોઈ નથી. મોબાઈલની સ્ક્રીન પર જ્યારે તેમને મૃત પિતાનો ચહેરો બતાવ્યો, ત્યારે પણ દીકરીના મોઢામાંથી ફક્ત એક શબ્દ નીકળ્યો, 'પપ્પા'. જ્યારે અમે કહ્યું કે ૨૦ તારીખ પહેલા આવીને પિતાના અસ્થિ લઈ જજો તો મુંબઈમાં રહેતી સૌથી નાની દીકરીએ બેરુખીભર્યો જવાબ આવ્યો, ૨૦ તારીખ પહેલા... અમે વિચારીશું.
આનંદે વધુમાં કહ્યું કે, હદ તો ત્યારે થઈ જ્યારે ચિતાને અગ્નિ આપવામાં આવી રહી હતી અને ફોન પર દીકરી પૂછી રહી હતી કે, 'હજુ કેટલો સમય લાગશે?' પછી અમે કહ્યું કે, અગ્નિ આપી દેવામાં આવી છે, ૧૦-૧૫ મિનિટમાં પ્રક્રિયા પૂરી થઈ જશે. જેના પર દીકરીએ કહ્યું- 'બધું કામ બરાબર થઈ ગયું ને, મને બધા વીડિયો મોકલી દેજો.' શિવચરણ ગુપ્તાની મોટી દીકરી અનિતા નેપાળમાં રહે છે અને ત્યાં જ શિક્ષિકા છે. અનિતાથી નાની દીકરી નિશા યુપીના આઝમગઢમાં રહે છે અને સૌથી નાની દીકરી પ્રિયા મુંબઈમાં રહે છે. ત્રણેય દીકરીઓને સફળ બનાવ્યા બાદ પણ શિવચરણ ગુપ્તા પોતાની દીકરીઓને છેલ્લે સુધી જોઈ શક્યા નહીં અને દીકરીઓ મૃત્યુ બાદ તેમની અંતિમ વિધિમાં પણ સામેલ થઈ નહીં.
દીકરીઓએ વીડિયો કોલ દ્વારા અંતિમ સંસ્કાર જોયા. શિક્ષિકા દીકરી અનિતાએ ઑનલાઇન ૫૧૦૦ રૂપિયા મોકલીને કહ્યું કે, પિતાના યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે. પહેલા દીકરીઓએ કહ્યું હતું કે, અસ્થિ રાખી દેજો, પરંતુ બાદમાં કહ્યું કે તેમની પાસે સમય નથી, તેથી વૃદ્ધાશ્રમ સંચાલક જ ગંગામાં અસ્થિ પ્રવાહિત કરી દે. અંતિમ સંસ્કાર બાદ વીડિયો કોલ પર જ દીકરીઓએ કહ્યું કે અંતિમ સંસ્કારના બધા વીડિયો તેમને મોકલી દેવામાં આવે.
સમાજમાં ચર્ચા છે કે શિવચરણ ગુપ્તા એક સમયે મોટા કાપડ વેપારી હતા અને પૈસા પણ ખૂબ કમાયા હતા, પરંતુ કદાચ તેઓ પોતાની દીકરીઓને સંસ્કાર આપવાનું ભૂલી ગયા અને આ જ કારણ છે કે તેમની દીકરીઓએ તેમના દુનિયામાંથી વિદાય લીધા બાદ પણ અંતિમ દર્શન સુદ્ધાં કર્યા નહીં. શિવચરણના અંતિમ સંસ્કાર કરનાર સંસ્થાના લોકોનું કહેવું છે કે આજના સમયમાં બાળકોને સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે કારણ કે બાળકો ખૂબ વ્યસ્ત છે પરંતુ તેમને પરિવારની લાગણીનો અનુભવ કરાવવો જરૂરી છે
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
