<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

અમેરિકી ટેલિકોમ ક્ષેત્રે સ્પેસએક્સનો મોટો ધડાકો : એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક હવે મોબાઈલ સેવા શરૂ કરશે : વર્ષ 2027ના અંત સુધીમાં સેવા લોન્ચ કરવાનો પ્લાન

સ્પેસએક્સ પ્રેસિડેન્ટ ગ્વિન શોટવેલની જાહેરાતથી યુએસ ટેલિકોમ જાયન્ટ્સ ટી-મોબાઈલ, વેરિઝોન અને AT&T ના શેરોમાં 2 થી 4 ટકાનો મોટો કડાકો : ટેરેસ્ટ્રિયલ સિસ્ટમ અને સેટેલાઇટથી ડેડ ઝોન નાબૂદ કરવાનો દાવો

વોશિંગ્ટન : સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ સર્જનારી સ્પેસએક્સ કંપનીના વડા એલોન મસ્કે હવે ગ્લોબલ ટેલિકોમ માર્કેટમાં ધમાકો કરવાની તૈયારી કરી લીધી છે. કંપની વર્ષ 2027 ના અંત સુધીમાં પોતાની સત્તાવાર સબસ્ક્રિપ્શન આધારિત મોબાઈલ સેવા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આ મહત્વપૂર્ણ જાહેરાત થતાં જ અમેરિકાની ત્રણ મોટી ટેલિકોમ દિગ્ગજ કંપનીઓ ટી-મોબાઈલ, વેરિઝોન અને AT&T ના શેરોમાં બે થી ચાર ટકાનો કડાકો બોલાઈ ગયો હતો.

અર્નિંગ કોલ દરમિયાન માહિતી આપતાં સ્પેસએક્સના પ્રેસિડેન્ટ ગ્વિન શોટવેલે જણાવ્યું હતું કે, કંપની હવે માત્ર સેટેલાઇટ કેપેસિટી સુધી સીમિત ન રહેતાં ટેરેસ્ટ્રિયલ સિસ્ટમ (હાર્ડવેર અને ગ્રાઉન્ડ બેઝ સિસ્ટમ) પણ તૈયાર કરી રહી છે. આ સિસ્ટમ મારફતે સ્ટારલિંક હવે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સર્વિસમાંથી બહાર આવીને ટી-મોબાઈલ, વેરિઝોન અને AT&T જેવી કંપનીઓને સીધી ટક્કર આપશે.

**600 અબજ ડોલરના અમેરિકી માર્કેટ પર નજર:**
કંપનીના જણાવ્યા અનુસાર, અમેરિકાનું સેલ્યુલર માર્કેટ 600 અબજ ડોલરનું છે અને સ્ટારલિંક તેમાં મોટો હિસ્સો મેળવવા આશાવાદી છે. કંપની ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટિવિટી મારફતે કવરેજ વગરના 'ડેડ ઝોન' સંપૂર્ણપણે નાબૂદ કરશે, જેથી કુદરતી આપત્તિના સમયે પણ મોબાઈલ નેટવર્ક બિનઅસરગ્રસ્ત રહેશે. મોબાઈલ સેવા માટે કંપની પોતાના સ્ટારલિંક બ્રોડબેન્ડ ડિશ પર જ સેલ્યુલર બેઝ સ્ટેશન લગાવીને ટેરેસ્ટ્રિયલ નેટવર્ક ઊભું કરશે, જેથી સ્પેક્ટ્રમ પાછળ કરવો પડતો મોટો ખર્ચ બચી જશે. અગાઉ વર્ષ 2025 માં કંપનીએ ઇકોસ્ટાર પાસેથી 19.6 અબજ ડોલરના ખર્ચે 65MHz નો વાયરલેસ સ્પેક્ટ્રમ લાયસન્સ પણ ખરીદ્યો હતો.

**ત્રણ દાયકા જૂના ટેલિકોમ સામ્રાજ્યને મોટો પડકાર:**
અમેરિકાના ટેલિકોમ ક્ષેત્રમાં હાલ વેરિઝોન (146 મિલિયન યુઝર્સ), ટી-મોબાઈલ (130 મિલિયન યુઝર્સ) અને AT&T (110 મિલિયન યુઝર્સ) એમ ત્રણ કંપનીઓનો 95 ટકા હિસ્સો છે. આ કંપનીઓએ ત્રણ દાયકાના સમયગાળામાં અબજો ડોલરના રોકાણથી વિશાળ નેટવર્ક ઊભું કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી ટી-મોબાઈલ અને સ્ટારલિંક વચ્ચે કવરેજ ક્ષેત્ર બહાર ડાયરેક્ટ-ટુ-સેલ કનેક્ટિવિટી માટે ભાગીદારી હતી, પરંતુ સ્પેસએક્સની આ નવી યોજનાથી બંને કંપનીઓ હવે સીધી પ્રતિસ્પર્ધી બની ગઈ છે. ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં જ્યાં હજુ સ્ટારલિંક સેટેલાઇટ સેવા મંજૂરીની રાહ જોઈ રહી છે, ત્યાં સ્પેસએક્સના આ નવા પ્લાને વૈશ્વિક ટેલિકોમ માર્કેટમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

(3:37 PM IST)