News of Thursday, 6th August 2026
૮મા પગારપંચ અગાઉ DAમાં ૩%નો વધારો થવાની શકયતાઃ મોંઘવારી ભથ્થું વધીને ૬૩% થશે
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એરિયર્સ સાથે ચૂકવણી થશે

નવી દિલ્હી, તા.૬: કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ ૨૦૨૬થી મોંઘવારી ભથ્થા માં વધારો થવાની શકયતા સ્પષ્ટ થઈ ગઈ છે. લેબર બ્યુરો દ્વારા જૂન ૨૦૨૬ માટેના મોંઘવારીના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેના આધારે નવી ગણતરી પૂરી થઈ ગઈ છે. આ તાજા આંકડા મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો મળી શકે છે, જેથી તેમનું કુલ DA ૬૦%થી વધીને ૬૩% થઈ જશે.
જુલાઈ ૨૦૨૬નો આ DA વધારો ૭મા પગાર પંચ હેઠળ છેલ્લો મોટો વધારો હોઈ શકે છે. સરકારે ૮મા પગાર પંચની રચના કરી દીધી છે, પરંતુ તેની ભલામણો લાગુ થવામાં હજુ સમય લાગશે. જ્યાં સુધી નવું પે સ્ટ્રક્ચર અમલમાં ન આવે, ત્યાં સુધી તમામ DA રિવિઝન હાલના ૭મા પગાર પંચના નિયમો મુજબ જ કરવામાં આવશે.
શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના લેબર બ્યુરોએ જૂન ૨૦૨૬ માટે મોંઘવારીનો નવો આંકડો જાહેર કર્યો છે, જે વધીને ૧૫૧.૯ થયો છે. આ પહેલાં મે ૨૦૨૬માં આ આંકડો ૧૫૦.૮ હતો. જૂન મહિનાનો આ આંકડો આવતાં જ હવે જુલાઈથી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેની ગણતરી સ્પષ્ટ થઈ ગઈ છે. આમ તો ગણતરી મુજબ DA ૬૩.૭૫% બને છે, પરંતુ સરકારી નિયમ પ્રમાણે પોઇન્ટ પછીના આંકડા ગણવામાં આવતા નથી, જેથી કર્મચારીઓને ૬૩% લેખે જ ચૂકવણી કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થામાં આ વધારો ૧ જુલાઈ, ૨૦૨૬થી અમલી ગણાશે. જોકે, સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ કરવામાં આવશે. સામાન્ય રીતે જુલાઈ મહિનાના DAની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવતી હોય છે, જેથી કર્મચારીઓને પાછલા મહિનાઓનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.
જો કેબિનેટ દ્વારા ૩% વધારાની મંજૂરી આપવામાં આવે, તો વિવિધ બેઝિક પે (મૂળ પગાર) ધરાવતા કર્મચારીઓને માસિક આ મુજબ ફાયદો થશે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
