<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા રાજકીય સમીકરણોના એંધાણ : બિહારમાં જીત બાદ મુંબઈ પહોંચેલા પ્રશાંત કિશોરે નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી

દેવગીરી બંગલે યોજાયેલી બેઠકમાં સાંસદ પાર્થ પવાર પણ રહ્યા ઉપસ્થિત : એનસીપીને મજબૂત કરવા અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થતાં અટકળો તેજ

મુંબઈ: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોર મહારાષ્ટ્રના પ્રવાસે પહોંચતાં જ રાજ્યના રાજકીય ગરમાવામાં મોટો ઉછાળો આવ્યો છે. મુંબઈ ખાતે આવેલા દેવગીરી બંગલે પ્રશાંત કિશોરે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી (અજિત પવાર જૂથ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સુનેત્રા પવાર સાથે ખાસ મુલાકાત કરી હતી. બિહારના બાંકીપુરથી ચૂંટણી જીત્યા બાદ તેમની આ પ્રથમ મહારાષ્ટ્ર મુલાકાત હોવાથી રાજકીય ગલિયારામાં વિવિધ અટકળો વહેતી થઈ છે.

 

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સાંસદ પાર્થ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ, પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા અને આગામી સમયની રાજકીય રણનીતિ સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

અગાઉ પણ યોજાઈ હતી મુલાકાત:

ઉલ્લેખનીય છે કે, અગાઉ બે મહિના પહેલાં પણ પ્રશાંત કિશોરે શ્રીમતી સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે મુલાકાત કરી હતી. તે સમયે પાર્થ પવારે જણાવ્યું હતું કે અજિત પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે જૂના સંબંધો રહ્યા છે અને પ્રશાંત કિશોર રાજકારણ તેમજ સમાજની ઊંડી સમજ ધરાવે છે.

 

જોકે, એનસીપીના નેતાઓએ આ મુલાકાતને એક સામાન્ય શિષ્ટાચાર ભેટ ગણાવી છે અને ચૂંટણી જીત્યા બાદ શુભેચ્છાઓ સ્વીકારવા માટે આ બેઠક યોજાઈ હોવાનું સ્પષ્ટ કર્યું છે. હાલમાં બંને પક્ષો તરફથી કોઈ ઔપચારિક રાજકીય કરાર કે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે આ મુલાકાતે મોટું રાજકીય મહત્વ ધારણ કર્યું છે.

(3:47 PM IST)