News of Thursday, 6th August 2026
ઇમરાન ખાનની જેલવાસના ૩ વર્ષ પૂર્ણ થતાં પાકિસ્તાનમાં પ્રચંડ જનઆક્રોશ: શાહબાઝ શરીફ સરકાર સામે ભીષણ વિરોધ, ૨૭ સપ્ટેમ્બરે ઇસ્લામાબાદ ઘેરવાનું નવું અલ્ટીમેટમ!
૧૦૦થી વધુ સમર્થકો અને ધારાસભ્યોની ધરપકડ છતાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) કાર્યકરો રસ્તા પર; કાયદાકીય લડાઈ પૂર્ણ થતાં હવે આક્રમક આંદોલનનો માર્ગ અપનાવ્યો.

ઇસ્લામાબાદ: તા.૦૬: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલની સજાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર પાકિસ્તાનમાં ભારે અરાજકતા અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. પોલીસની કડક કાર્યવાહી અને પ્રતિબંધો છતાં, ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બલુચિસ્તાનથી લઈને ખૈબર પખ્તુનખ્વા સુધી શાહબાઝ શરીફ સરકાર સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.
ઇમરાન ખાનના જેલવાસની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી વિરોધ રેલીઓ દરમિયાન પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. પંજાબ, સિંધ અને લાહોરમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરીને ૧૦૦થી વધુ પીટીઆઈ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી છે, જેમાં ૫ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. પોલીસે કવરેજ કરી રહેલા પત્રકારો પર પણ બળપ્રયોગ કરતા મીડિયા સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
૨૭ સપ્ટેમ્બરે ઇસ્લામાબાદ કૂચનું નવું અલ્ટીમેટમ
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સુહેલ આફ્રિદીએ પેશાવરમાં યોજાયેલી વિશાળ રેલીને સંબોધતા શાહબાઝ શરીફ સરકારને આખરી અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટીએ હવે તમામ કાનૂની અને ન્યાયિક માર્ગો અજમાવી લીધા છે, તેથી જો ઇમરાન ખાન અને તેમની પત્ની સામેના કેસોમાં યોગ્ય ન્યાય આપીને મુક્ત કરવામાં નહીં આવે, તો ૨૭ સપ્ટેમ્બરના રોજ દેશભરમાંથી લાખો પીટીઆઈ કાર્યકરો ઇસ્લામાબાદ તરફ કૂચ કરશે. આફ્રિદીએ દાવો કર્યો હતો કે યોગ્ય સુનાવણી થાય તો ઇમરાન ખાન ૩૦ મિનિટમાં જેલમુક્ત થઈ શકે છે.
એકાંત કેદ અને માનવાધિકાર અંગે ચિંતા
બીજી તરફ, ઇમરાન ખાનની બહેન અલીમા ખાન અને પાર્ટી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ઇમરાન ખાનને જેલમાં એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે અને તેમની દ્રષ્ટિ પણ નબળી પડી રહી છે. તેમને યોગ્ય તબીબી સારવાર, ડોકટરો કે સંબંધીઓને મળવા દેવામાં આવતા નથી. માનવાધિકાર સંસ્થા 'એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ' દ્વારા પણ ૭૩ વર્ષીય ઇમરાન ખાનને નિષ્પક્ષ ટ્રાયલ અને તબીબી સુવિધાઓ આપવાના અધિકારના ઉલ્લંઘન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
