News of Thursday, 6th August 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬ મહિનાના ૧૩ દેશોના પ્રવાસો પાછળ રૂ. ૭૪.૫ કરોડનો સરકારી ખર્ચ : સંસદમાં રજૂ કરાઈ આંકડાકીય માહિતી
નોર્વે પ્રવાસ પાછળ સૌથી વધુ રૂ. ૧૭.૪૬ કરોડ ખર્ચાયા : ફ્રાન્સ સહિતના કેટલાક દેશોના બિલોની આખરી પતાવટ પ્રક્રિયા હેઠળ હોવાથી કુલ આંકડો વધવાની શક્યતા

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૬ના ફેબ્રુઆરીથી જુલાઈ મહિના સુધીના ૬ મહિનાના સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિદેશ પ્રવાસો અંગેનો સત્તાવાર હિસાબ સંસદીય દસ્તાવેજો મારફતે જાહેર કરવામાં આવ્યો છે. આ ૬ મહિનાના ટૂંકા ગાળામાં તેમણે વિશ્વના ૧૩ દેશોની સત્તાવાર મુલાકાત લીધી હતી, જેની પાછળ સરકારી તિજોરીમાંથી કુલ રૂ. ૭૪.૫ કરોડનો પ્રાથમિક ખર્ચ નોંધાયો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સ સહિતના અમુક દેશોના સુરક્ષા અને લોજિસ્ટિક્સ બિલોની ચૂકવણી પ્રક્રિયા હેઠળ હોવાથી અંતિમ હિસાબમાં રકમ વધી શકે છે.
સંસદમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી ૨૦૨૬માં મલેશિયા પ્રવાસ પાછળ રૂ. ૫.૫૭ કરોડ અને ઇઝરાયલની મુલાકાત પાછળ રૂ. ૧૧.૯૨ કરોડનો ખર્ચ થયો હતો. ત્યારબાદ મે ૨૦૨૬માં યુરોપ અને અખાતી દેશોના પ્રવાસ દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેવામાં આવી હતી.
નોર્વેનો પ્રવાસ સૌથી મોંઘો સાબિત થયો:
જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, તમામ ૧૩ દેશોના પ્રવાસોમાં નોર્વેની મુલાકાત પાછળ સૌથી વધુ રૂ. ૧૭.૪૬ કરોડનો ખર્ચ નોંધાયો છે. તે જ ગાળા દરમિયાન યુરોપના અન્ય દેશો પૈકી સ્વીડન માટે રૂ. ૬.૩૩ કરોડ, ઇટાલી માટે રૂ. ૪.૨૩ કરોડ અને નેધરલેન્ડ્સ માટે રૂ. ૩.૬ કરોડ ખર્ચાયા હતા.
જૂન અને જુલાઈ મહિનાના પ્રવાસોની વિગતો:
જૂન ૨૦૨૬માં યોજાયેલા પ્રવાસોમાં સ્લોવાક રિપબ્લિક પાછળ રૂ. ૪.૭૭ કરોડ અને સેશેલ્સના પ્રવાસ પાછળ રૂ. ૮.૨૨ કરોડનો ખર્ચ નોંધાયો છે. આ જ ગાળામાં યોજાયેલા ફ્રાન્સ પ્રવાસના હોટેલ, મુસાફરી અને સુરક્ષા અંગેના બિલો હજુ પ્રક્રિયા હેઠળ હોવાથી તેનો આંકડો સામેલ કરાયો નથી. તદુપરાંત, જુલાઈ ૨૦૨૬માં ઇન્ડોનેશિયા પાછળ રૂ. ૩.૮૭ કરોડ, ન્યુઝીલેન્ડ પાછળ રૂ. ૫.૪૩ કરોડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પાછળ રૂ. ૧.૧૮ કરોડનો ખર્ચ થયો છે. તમામ બિલોની આખરી ચુકવણી બાદ જ કુલ ખર્ચનો અંતિમ આંકડો સ્પષ્ટ થશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
