<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

શું વિમાનોના ઇંધણમાં મિશ્રિત કરાશે ઇથેનોલ? કેજરીવાલના દાવા પર કેન્દ્રીય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા, અફવાઓ ફગાવી!

'ATFમાં ઇથેનોલ મિશ્રણનો દાવો સંપૂર્ણ ખોટો અને બેજવાબદાર': કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) અને ઇથેનોલ વચ્ચેનો તફાવત સમઝાવ્યો.

નવી દિલ્હી: તા.૦૬: એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણમાં સરકાર ઇથેનોલ ઉમેરવાની યોજના બનાવી રહી છે તેવી વાતોને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે અફવા ગણાવીને ફગાવી દીધી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક દાવો કર્યો હતો કે મોદી સરકાર ફ્લાઇટના ઇંધણમાં ઇથેનોલ મિશ્રિત કરવા જઈ રહી છે, જેનાથી વિમાનોની સલામતી જોખમાઈ શકે છે.

આ દાવા પર કડક વલણ અપનાવતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ સ્પષ્ટતા કરી છે કે સરકાર પાસે એવી કોઈ દરખાસ્ત નથી. તેમણે ઉમેર્યું કે, "ઇથેનોલ અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) સંપૂર્ણપણે અલગ બાબતો છે. SAF એક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત અને માન્ય બળતણ છે જે કડક સલામતી ધોરણોને પૂર્ણ કરે છે. હવાઈ સલામતી વિશે આવી ખોટી માહિતી ફેલાવવાથી મુસાફરોમાં બિનજરૂરી ચિંતા પેદા થાય છે."


કેજરીવાલનો ઈ-૨૦ અને ડીઝલ અંગેનો આક્ષેપ
બીજી તરફ, અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે E20 (૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) લાગુ કર્યા બાદ સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ ૫૦ ટકા સુધી વધારવાની તૈયારી કરી રહી છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે સરકાર ટૂંક સમયમાં ડીઝલમાં પણ ઇથેનોલ ભેળવવાનું શરૂ કરશે, જેનાથી લોકોના વાહનોના એન્જિન બગડી શકે છે.

કેજરીવાલે લોકોને હાલમાં નવા પેટ્રોલ કે ડીઝલ વાહનો ન ખરીદવા અપીલ કરી હતી અને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ અને E20 બળતણ બંને વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. જોકે, કેન્દ્ર સરકારે વિમાન ઇંધણ અંગેના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા ગણાવી છે.

(4:07 PM IST)