News of Thursday, 6th August 2026
યુપીઆઈ (UPI) પર MDRની વાપસીથી ડિજિટલ પેમેન્ટ જગતમાં મોટો ઉલટફેર: ફોનપે, ગૂગલ પે અને પેટીએમનું એકચક્રી શાસન વધુ મજબૂત બનશે!
૨૫-૩૦ બેસિસ પોઈન્ટના સંભવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટથી અબજો રૂપિયાની નવી આવકના દ્વાર ખુલશે; નાની યુપીઆઈ એપ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે સ્પર્ધા ટકાવી રાખવી બનશે મુશ્કેલ.

મુંબઈ: તા.૦૬: યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાની યોજનાથી ભારતીય ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો ફોનપે (PhonePe), ગૂગલ પે (Google Pay) અને પેટીએમ (Paytm) જેવા અગ્રણી પેમેન્ટ પ્લેટફોર્મ્સનું માર્કેટ પર વર્ચસ્વ વધુ મજબૂત બનશે.
MDR એટલે કે વેપારીઓ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા માટે બેંકો અને પેમેન્ટ કંપનીઓને ચૂકવવામાં આવતું કમિશન. 'મનીકંટ્રોલ'ના રિપોર્ટ અનુસાર, યુપીઆઈ મર્ચન્ટ પેમેન્ટ્સ પર આ દર ૨૫ થી ૩૦ બેસિસ પોઈન્ટ રહેવાની શક્યતા છે, જે પેમેન્ટ ઉદ્યોગ માટે આવકનો બહુ મોટો સ્ત્રોત સાબિત થશે.
વાર્ષિક કરોડો રૂપિયાની કમાણીનો અંદાજ
અંદાજ મુજબ, MDRના અમલથી ફોનપે અને પેટીએમ દર વર્ષે અંદાજે ₹૭૦૦-૭૦૦ કરોડની કમાણી કરી શકે છે, જ્યારે ગૂગલ પેને વાર્ષિક ₹૫૦૦ કરોડથી વધુની કમાણી થવાની શક્યતા છે. પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ પણ અગાઉ સંકેત આપ્યો હતો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મર્ચન્ટ નેટવર્કમાં મોટાભાગનું રોકાણ થઈ ચૂક્યું હોવાથી, આ નવી MDR આવકનો મોટો હિસ્સો સીધો કંપનીના ચોખ્ખા નફામાં ઉમેરાશે.
નાની એપ્લિકેશન્સ માટે મોટો પડકાર
નિષ્ણાતોના મતે, આ ત્રણેય મોટી એપ્સ પાસે વિશાળ મર્ચન્ટ નેટવર્ક અને બેંકો સાથે મજબૂત સોદાબાજી કરવાની ક્ષમતા (Bargaining Power) છે. આ કારણે તેઓ બેંકિંગ ભાગીદારો પાસેથી વધુ સાનુકૂળ શરતો અને આવકનો મોટો હિસ્સો મેળવી શકશે.
બીજી તરફ, મર્યાદિત મર્ચન્ટ બેઝ ધરાવતી નાની યુપીઆઈ એપ્સ માટે MDRમાંથી સરખો હિસ્સો મેળવવો અત્યંત કઠિન બનશે. મોટી કંપનીઓ આ નવી કમાણીનો ઉપયોગ ગ્રાહકોને વધુ કેશબેક અને પ્રોત્સાહનો આપવા માટે કરશે, જેનાથી નાની અને મોટી પેમેન્ટ એપ્સ વચ્ચેનું અંતર વધુ વધી જશે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
