<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

શેખ હસીનાના પતન અંગે નવો સનસનાટીભર્યો ખુલાસો: મોહમ્મદ યુનુસને વડા બનાવવાની વિરુદ્ધમાં હતા આર્મી ચીફ વકાર! પછી અચાનક શું બદલાયું?

હસીનાની હકાલપટ્ટીના બે વર્ષ બાદ પૂર્વ કાનૂની સલાહકાર આસિફ નઝરુલનો મોટો દાવો; જેલ સજા અને મની લોન્ડરિંગના કેસને કારણે સેના વચગાળાની સરકારની કમાન યુનુસને સોંપવા નહોતી ઈચ્છતી.

ઢાકા: તા.૦૬: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તા ઉથલાવી દેવાયાના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. તે સમયે વચગાળાની સરકારના કાનૂની સલાહકાર રહી ચૂકેલા પ્રોફેસર આસિફ નઝરુલે દાવો કર્યો છે કે, બાંગ્લાદેશી આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન શરૂઆતમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને દેશના મુખ્ય સલાહકાર (વચગાળાના વડા) બનાવવાના પક્ષમાં બિલકુલ નહોતા.

બાંગ્લાદેશી અખબાર 'પ્રોથોમ આલો' સાથેની વાતચીતમાં આસિફ નઝરુલે જણાવ્યું કે, ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ જ્યારે શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો, ત્યારે સેના મુખ્યાલયમાં આર્મી ચીફ સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. બેઠકમાં આર્મી ચીફે વિદ્યાર્થીઓ દ્વારા બતાવેલી હિંમતની પ્રશંસા કરી હતી, પરંતુ જ્યારે વચગાળાની સરકારનું નેતૃત્વ યુનુસને સોંપવાની વાત આવી ત્યારે તેમણે સીધો વિરોધ નોંધાવ્યો હતો.


આર્મી ચીફે શા માટે કર્યો હતો વિરોધ?
જનરલ વકારે દલીલ કરી હતી કે મોહમ્મદ યુનુસ સામે શ્રમ કાયદાના ભંગ બદલ ૬ મહિનાની જેલની સજા ફટકારવામાં આવેલી છે અને તેમની સંસ્થા પર આશરે ૨ મિલિયન ડોલરના મની લોન્ડરિંગનો પણ ગંભીર કેસ ચાલી રહ્યો છે. સેના ઈચ્છતી નહોતી કે કોઈ કાનૂની રીતે દોષિત કે આરોપી વ્યક્તિ દેશની કમાન સંભાળે.


એક દલીલ અને બદલાઈ ગયું બાંગ્લાદેશનું ચિત્ર
આસિફ નઝરુલે આર્મી ચીફને સમજાવ્યા હતા કે યુનુસ સામેના તમામ કેસો રાજકીય દ્વેષથી પ્રેરિત હતા, કારણ કે શેખ હસીનાની તત્કાલીન સરકાર તેમની સામે અંગત અદાવત રાખતી હતી. આ દલીલ સાંભળ્યા બાદ આર્મી ચીફ સંમત થયા હતા અને ત્યારબાદ જ મોહમ્મદ યુનુસના નામને મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હસીનાના જવાથી શરૂ થયેલી આ અસ્થિરતા બાદ યોજાયેલી ચૂંટણીમાં બીએનપી (BNP) નો વિજય થયો હતો અને તારિક રહેમાન બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બન્યા હતા. હાલમાં શેખ હસીનાની ભારતમાં હાજરીને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે.

(4:08 PM IST)