News of Thursday, 6th August 2026
હૃદયદ્રાવક ઘટના: પૂરના ધસમસતા પ્રવાહમાં પોતાના વહાલા શ્વાનને બચાવવા ૧૩ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો; આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પરિવારને સાંત્વના આપી ₹૫ લાખની સહાય સોંપી!
પોતાના જીવની પરવા કર્યા વગર પાલતુ શ્વાનને બચાવનાર બહાદુર રિદીપ પાનિકાની કરુણાને સીએમે બિરદાવી; ભાવુક દ્રશ્યો વચ્ચે આસામમાં પૂરના કારણે મૃત્યુઆંક ૯૫ પર પહોંચ્યો.

નઝીરા: તા.૦૬: આસામના નઝીરા વિસ્તારમાં પૂરે એક અત્યંત કરુણ અને હૃદયસ્પર્શી ઘટના સર્જી છે. પૂરના ધસમસતા પાણીમાં પોતાના વહાલા પાલતુ શ્વાનને બચાવવા માટે નદીમાં ઝંપલાવનારા ૧૩ વર્ષના બાળક રિદીપ પાનિકાએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો છે. આ દિલધડક અને દુઃખદ ઘટના બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા અને રિદીપના માતા-પિતાને મળીને સાંત્વના પાઠવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બાળકની માતા મુખ્યમંત્રીને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડતી જોવા મળે છે, જ્યારે મુખ્યમંત્રીએ અત્યંત ભાવુક બનીને પરિવારને સાંત્વના આપી હતી અને રૂ. ૫ લાખની નાણાકીય સહાયનો ચેક સોંપ્યો હતો. તેમણે બાળકે જે શ્વાનનો જીવ બચાવ્યો હતો તેને પણ વહાલ કર્યું હતું.
પ્રાણી પ્રત્યેનો પ્રેમ અને બહાદુરી
બામુન પુખુરી ગામના સાતમા ધોરણમાં ભણતા રિદીપ પાનિકાએ ૧૯ જુલાઈના રોજ જ્યારે જોયું કે તેનો પ્રિય શ્વાન 'વરુણ' પૂરના પાણીના વમળમાં ફસાઈ ગયો છે, ત્યારે તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં કૂદકો માર્યો હતો. રિદીપે અત્યંત બહાદુરીપૂર્વક પોતાના 'જાન' સમાન શ્વાનને વમળમાંથી બહાર કાઢીને બચાવી લીધો હતો, પરંતુ કમનસીબે તે પોતે પાણીના ઝડપી પ્રવાહમાં તણાઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલો છે અને નાના બાળક રિદીપે તે ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. પોતાના જીવનો વિચાર કર્યા વગર તેણે નિઃસ્વાર્થપણે તેના કુરકુરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો અને શહીદ થયો. તેની કરુણા અને હિંમત સદા યાદ રહેશે."
ઉલ્લેખનીય છે કે આસામમાં ઉપલા વિસ્તારોમાં આવેલા ભયાનક પૂરના કારણે સ્થિતિ વધુ કથળી છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ૧.૬ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં પૂરને કારણે ૯૫ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
