News of Thursday, 6th August 2026
'FCRA સુધારો બિલ પારદર્શિતા માટે નહીં, પણ NGO પર નિયંત્રણ મેળવવા માટે છે': શશી થરૂરનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર, વિપક્ષી એકતાનું આહ્વાન!
ચેરિટેબલ હોસ્પિટલો, શાળાઓ અને વિદેશી ફંડ મેળવતી સંસ્થાઓની સંપત્તિ સરકારી કબજા હેઠળ જવાની ભીતિ; બિલને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાની કોંગ્રેસ સાંસદની આગ્રહભરી માંગ.

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, ૨૦૨૬ (FCRA Amendment Bill) રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના જ્યેષ્ઠ સાંસદ શશી થરૂરે આ બિલ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. થરૂરે આક્ષેપ કર્યો છે કે આ પ્રસ્તાવિત કાયદો પારદર્શિતા લાવવા માટે નથી પરંતુ બિન-સરકારી સંગઠનો (NGOs) અને ચેરિટેબલ ટ્રસ્ટો પર સીધો સરકારી કંટ્રોલ સ્થાપિત કરવાનો એક પ્રયાસ છે.
એક અગ્રણી રાષ્ટ્રીય અખબારમાં લખેલા લેખમાં શશી થરૂરે દલીલ કરી હતી કે આ સુધારા પરંપરાગત કાનૂની રક્ષણોને બાયપાસ કરીને કારોબારી સત્તાઓને અતિશય વ્યાપક બનાવે છે. જો કોઈ સંસ્થાનું FCRA લાઇસન્સ રદ થાય, સસ્પેન્ડ થાય કે નવિનીકરણ ન થાય, તો કેન્દ્ર દ્વારા નિયુક્ત સત્તાધિકારી તેની તમામ વિદેશી અને ભૌતિક સંપત્તિઓનો કારોબાર પોતાના હસ્તક લઈ શકશે અને આખરે તેને ભારતના સંચિત ભંડોળ (Consolidated Fund) માં જમા કરી શકાશે.
હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ પર અનિશ્ચિતતાનું જોખમ
થરૂરે ખાસ કરીને કેરળ અને દેશભરમાં ચાલતા ખ્રિસ્તી કલ્યાણકારી ટ્રસ્ટો, ૫૦૦ બેડ ધરાવતી ચેરિટેબલ હોસ્પિટલો, શાળાઓ અને મેડિકલ કોલેજોનો ઉલ્લેખ કરતા ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે આ સંસ્થાઓ વર્ષોથી સ્થાનિક અને વિદેશી ફંડના મિશ્રણથી ગરીબ અને વાંચિત વર્ગોની સેવા કરી રહી છે. પરંતુ માત્ર એક નાનકડા વહીવટી વિલંબ કે ગૃહ મંત્રાલયના પ્રતિકૂળ નિર્ણય માત્રથી આટલી મોટી ચેરિટેબલ હોસ્પિટલ સરકારી મિલકતમાં રૂપાંતરિત થઈ જશે, જેનાથી સામાન્ય ભારતીયોને જ નુકસાન ભોગવવું પડશે.
બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા પર અસર
કોંગ્રેસ સાંસદે દાવો કર્યો હતો કે આ જોગવાઈઓ કાયદા સમક્ષ સમાનતા (કલમ ૧૪) તેમજ ધાર્મિક સ્વતંત્રતા અને સંસ્થાઓના સંચાલનનો અધિકાર આપતી કલમ ૨૫ અને ૨૬ હેઠળ બંધારણીય પડકારો ઊભા કરશે. તેમણે કહ્યું કે સંસ્થાઓએ સેવાકાર્યો મૂકીને પોતાની સંપત્તિ બચાવવા માટે કોર્ટના લાંબા ચક્કરમાં સમય અને નાણાં વેડફવા પડશે.
વિપક્ષી પક્ષોને એક થવા હાકલ અને સરકારનો પક્ષ
શશી થરૂરે દેશના તમામ વિપક્ષી દળોને આહ્વાન કર્યું છે કે તેઓ આ બિલનો એકજુટ થઈને વિરોધ કરે અને તેને ઊંડાણપૂર્વકની સમીક્ષા તથા જાહેર પરામર્શ માટે સંસદની સિલેક્ટ કમિટી (Select Committee) સમક્ષ મોકલવાની માંગ કરે.
બીજી તરફ, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ સુધારાનો મુખ્ય હેતુ વિદેશી ભંડોળની દેખરેખ વધુ મજબૂત કરવાનો અને કાયદાકીય ખામીઓને દૂર કરવાનો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સંસ્થા નિશ્ચિત સમયમર્યાદામાં પોતાની નોંધણી પુનઃસ્થાપિત કરી લેશે તો તેની તમામ સંપત્તિ અને ફંડ પરત કરી દેવામાં આવશે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
